ભરૂચ નગરપાલિકામાં પ્રાથમિક સુવિધાઓના મામલે રાજકીય ગરમાવો તેજ બન્યો છે. શહેરના વિવિધ વોર્ડમાં વણઉકેલ્યા પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટી દ્વારા શાસક પક્ષ ભાજપ સામે મોરચો માંડવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા ‘આપ’ પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ પાલિકા કચેરી ગજવી મૂકી હતી અને પ્રમુખની કેબિન બહાર જ બેસીને તંત્ર વિરોધી સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર રોષ ઠાલવ્યો હતો. પાર્ટીનો મુખ્ય આક્ષેપ છે કે, નગરપાલિકા દ્વારા જનતા પાસેથી પાણી, સફાઈ અને મિલકત વેરાની નિયમિત વસૂલાત કરવામાં આવે છે, પરંતુ તેના બદલામાં પૂરતી સેવાઓ મળતી નથી. ખાસ કરીને વોર્ડ નંબર-2 સહિતના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની તંગી, અંધારપટ સર્જતી બંધ સ્ટ્રીટ લાઈટો અને ગંદકી ફેલાવતી ખુલ્લી ગટરો જેવી ગંભીર સમસ્યાઓથી નાગરિકો ત્રાહિમામ પોકારી ગયા છે. વારંવારની રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા આખરે આપ દ્વારા લેખિતમાં અંતિમ ચેતવણી આપવામાં આવી છે.

પિયુષ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પાલિકા તંત્રને 10 દિવસનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. જો નિર્ધારિત સમયમાં આ પ્રશ્નોનો લેખિત જવાબ અને સચોટ ઉકેલ નહીં આવે, તો આવનારા દિવસોમાં નગરપાલિકાને તાળાબંધી કરવા સહિતના ઉગ્ર આંદોલનાત્મક કાર્યક્રમો આપવામાં આવશે. રહેવાસીઓના સમર્થન સાથે કરવામાં આવેલા આ વિરોધ પ્રદર્શને સ્થાનીક રાજકારણમાં ચર્ચા જગાવી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com