Geo Gujarat News

અંકલેશ્વર: ચૂંટણી કામગીરીના ભાર હેઠળ દબાતા શિક્ષકો, BLO ને શૈક્ષણિક ફરજોમાંથી મુક્તિ આપવા SDM ને રજૂઆત.

​ભરૂચ જિલ્લામાં હાલ ચાલી રહેલા મતદારયાદી ખાસ સુધારણા કાર્યક્રમ (SIR) ને પગલે બૂથ લેવલ ઓફિસર (BLO) તરીકે ફરજ બજાવતા શિક્ષકોની કામગીરીનું ભારણ વધ્યું છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય શૈક્ષણિક મહાસંઘ દ્વારા અંકલેશ્વર પ્રાંત અધિકારીને એક લેખિત રજૂઆત કરવામાં આવી છે. જેમાં માંગ કરવામાં આવી છે કે, મતદારયાદી સુધારણાની અગત્યની કામગીરીને સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે શિક્ષકોને તેમની મૂળ શૈક્ષણિક ફરજો અને અન્ય વધારાના ચાર્જમાંથી મુક્તિ આપી સંપૂર્ણપણે ઓન ડ્યુટી જાહેર કરવામાં આવે.

​મહાસંઘે પોતાની રજૂઆતમાં જણાવ્યું છે કે, હાલમાં SIR કાર્યક્રમનો બીજો તબક્કો પૂરજોશમાં ચાલી રહ્યો છે. ચૂંટણી પંચના સીધા નિયંત્રણ હેઠળ આ કામગીરી અત્યંત મહત્વની અને પ્રાથમિકતા વાળી હોય છે. જ્યારે શિક્ષકોને શાળાકીય શિક્ષણ અને BLO એમ બંને જવાબદારીઓ એકસાથે નિભાવવાની થાય છે, ત્યારે કામગીરીમાં વિલંબ થવાની અને ગુણવત્તા જોખમાવાની શક્યતા રહે છે. ​આથી, વહીવટી તંત્ર દ્વારા આંતરિક વ્યવસ્થા કરી શિક્ષકોને અન્ય કામગીરીમાંથી મુક્ત રાખવામાં આવે જેથી તેઓ સંપૂર્ણ ધ્યાન મતદારયાદીની સચોટ કામગીરી પર આપી શકે. મહાસંઘે ભાર પૂર્વક જણાવ્યું છે કે, જો BLO ને પુરા સમય માટે મુક્ત કરી દેવામાં આવે તો જ ચૂંટણી પંચના નિર્ધારિત લક્ષ્યાંકોને સમયસર સિદ્ધ કરી શકાશે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.