પાડોશી રાજ્ય મહારાષ્ટ્રની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના શાનદાર પ્રદર્શન અને ભવ્ય જીતના પડઘા ભરૂચમાં પણ જોવા મળ્યા છે. મહારાષ્ટ્રમાં કેસરિયો લહેરાતા જ ભરૂચ જિલ્લા ભાજપ પરિવારમાં ભારે ઉત્સાહ ફેલાયો છે. આ ઐતિહાસિક વિજયને વધાવવા માટે કસક સ્થિત જિલ્લા ભાજપ કાર્યાલય પંચમ ખાતે એક ભવ્ય વિજયોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું,

જેમાં કાર્યકરોએ વિજયના ગુલાલ ઉડાડી ખુશી વ્યક્ત કરી હતી. આ વિજયના જશ્નમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી અને જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદી સહિતના પ્રદેશ અને જિલ્લા સ્તરના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ભાજપના ગઢ ગણાતા કસક વિસ્તારમાં કાર્યકર્તાઓએ આતશબાજી કરી આકાશ ગજવી મૂક્યું હતું અને એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું.

આ પ્રસંગે ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ મહારાષ્ટ્રના પરિણામોને વિકાસની રાજનીતિનો વિજય ગણાવ્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ અને દેવેન્દ્ર ફડણવીસના સુશાસન પર જનતાએ મહોર લગાવી છે. ભરૂચ ભાજપના નેતાઓએ મહારાષ્ટ્રની જનતાનો આભાર માનવાની સાથે કેન્દ્રીય નેતૃત્વને પણ અભિનંદન પાઠવ્યા હતા. ભાજપની આ જીતથી આગામી સમયમાં સંગઠન વધુ મજબૂત બનશે તેવો આશાવાદ પણ આ તબક્કે વ્યક્ત કરવામાં આવ્યો હતો.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023