ગુજરાતમાં શિયાળાની જમાવટ વચ્ચે હવે વરુણ દેવ પણ પધરામણી કરે તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. હવામાન ક્ષેત્રના નિષ્ણાતોના મતે, જાન્યુઆરી મહિનાનું છેલ્લું અઠવાડિયું રાજ્ય માટે મિશ્ર ઋતુઓનું બની રહેશે. આગામી 21 થી 26 જાન્યુઆરી દરમિયાન રાજ્યના આકાશમાં કાળા ડિબાંગ વાદળો ઘેરાશે અને ઉત્તર ગુજરાત સહિત કચ્છના પટ્ટામાં કમોસમી વરસાદની પૂરેપૂરી સંભાવના છે. હવામાન વિશ્લેષક પરેશ ગોસ્વામીએ ચેતવણી આપી છે કે આગામી દિવસોમાં વાતાવરણમાં મોટો પલટો આવશે. વાદળછાયા માહોલ વચ્ચે ખાસ કરીને સરહદી જિલ્લા કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસી શકે છે. આ માવઠું ખેતીના પાક માટે આફત સમાન બની શકે છે, કારણ કે તૈયાર થવા આવેલા રવિ પાકને ભેજ અને વરસાદથી નુકસાન થવાની ભીતિ છે.

માત્ર વરસાદ જ નહીં, પરંતુ માવઠા બાદ રાજ્યમાં ઠંડીનું જોર પણ વધવાનું છે. હવામાન અને જ્યોતિષના જાણકાર જયપ્રકાશ માઢકનું અનુમાન છે કે 26 જાન્યુઆરીની આસપાસ ઉત્તર ભારતની અસર હેઠળ ગુજરાતમાં તીવ્ર કોલ્ડવેવ ફરી વળશે. વરસાદી છાંટા પડ્યા બાદ પવનની ગતિ વધતા રાત્રિના તાપમાનમાં મોટો ઘટાડો થશે, જેના કારણે લોકોએ ફરી એકવાર ભારે ગરમ કપડાંના સહારે રહેવું પડશે. હાલમાં પણ રાજ્યના કેટલાક ભાગોમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે. તાજેતરના આંકડા મુજબ, 9.2 ડિગ્રી સાથે નલિયા રાજ્યનું સૌથી ઠંડુ મથક બન્યું છે, જ્યારે અમરેલી પણ 9.6 ડિગ્રી સાથે કાકડતી ઠંડીનો અનુભવ કરી રહ્યું છે. જો આગામી દિવસોમાં આગાહી મુજબ વરસાદી માહોલ સર્જાશે, તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધતા ધુમ્મસ અને કાતિલ ઠંડી જનજીવનને પ્રભાવિત કરશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com