Geo Gujarat News

ઝઘડિયા: કંપનીએ નોકરી પર જતા યુવાનને રસ્તામાં જ મળ્યો કાળ, હાઈવા ચાલકની બેદરકારીએ વસાવા પરિવારનો ચિરાગ બુઝાવ્યો

માર્ગ પર પાર્ક કરાયેલા વાહનો કેટલીકવાર નિર્દોષ લોકો માટે જીવલેણ સાબિત થતા હોય છે, આવી જ એક ઘટના વાલિયા-ઝઘડિયા માર્ગ પર બની છે. ધારોલી ગામના કન્યા શાળા ફળિયામાં રહેતા અને નાઈટ્રેકસ કંપનીમાં ફરજ બજાવતા વિપુલ વસાવા રાત્રિના સમયે પોતાની નોકરી પર જઈ રહ્યા હતા. તે દરમિયાન માર્ગ પર કોઈ પણ જાતની પાર્કિંગ લાઈટ, સિગ્નલ કે રિફ્લેક્ટર મૂક્યા વિના જોખમી રીતે ઉભી રાખેલી એક બ્રેકડાઉન હાઈવા ટ્રકની પાછળ વિપુલભાઈની બાઈક ધડાકાભેર અથડાઈ હતી. અંધારામાં ટ્રક ન દેખાવાને કારણે સર્જાયેલા આ અકસ્માતમાં યુવાનને શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત બાદ લોહીલુહાણ હાલતમાં વિપુલ વસાવાને તાત્કાલિક ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, તેમની તબિયત વધુ લથડતા પરિવારજનોએ તેમને વધુ સારવાર માટે ભરૂચની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ડોક્ટરોના અથાગ પ્રયત્નો છતાં ગંભીર ઈજાઓને કારણે રાત્રિ દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. આ અકાળે અવસાનથી વસાવા પરિવાર અને ધારોલી ગામમાં શોકની કાલિમા છવાઈ ગઈ છે.

હાઈવા ટ્રકના ચાલક દ્વારા રાખવામાં આવેલી બેદરકારીએ એક હસતા-રમતા પરિવારનો આધાર છીનવી લીધો છે. માર્ગ પર વાહનો ઉભા રાખવાના નિયમોનું ઉલ્લંઘન કરનાર ટ્રક ચાલક સામે વાલિયા પોલીસે અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની તપાસ શરૂ કરી છે. સ્થાનિકોની માંગ છે કે રાત્રિના સમયે હાઈવે પર આવી રીતે જોખમી પાર્કિંગ કરનારા વાહનચાલકો સામે કડક પગલાં લેવામાં આવે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતો અટકાવી શકાય.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.