નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા રાજપીપળા ચોકડી ઓવરબ્રિજ પર આજે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. સુરતથી ભરૂચ તરફ જઈ રહેલા માર્ગ પર એક આઇસર ટેમ્પો અને હાઇવા ટ્રક વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે ટેમ્પોની કેબિનનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો અને ચાલક અંદર જ ફસાઈ ગયો હતો. કમનસીબે, ગંભીર ઇજાઓના કારણે ટેમ્પો ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. ટેમ્પોમાં ફસાયેલા ચાલકના મૃતદેહને બહાર કાઢવા માટે અંકલેશ્વર ડીપીએમસીની મદદ લેવામાં આવી હતી. ભારે જહેમત બાદ મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માત સર્જ્યા બાદ હાઇવા ટ્રકનો ચાલક વાહન મૂકીને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. હાલમાં બી ડિવિઝન પોલીસે આ મામલે ગુનો નોંધીને ફરાર ટ્રક ચાલકને પકડવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ઓવરબ્રિજ પર થયેલા આ અકસ્માતને કારણે થોડો સમય ટ્રાફિક પણ પ્રભાવિત થયો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com