સામાજિક જવાબદારી અને સેવાના ઉદ્દેશ્ય સાથે અંકલેશ્વરનું જાણીતું ગુંજ સોશિયલ ગ્રુપ આગામી 8મી ફેબ્રુઆરીના રોજ તેના દશમા ભવ્ય સર્વજ્ઞાતિ સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવા જઈ રહ્યું છે. આ મંગલ પ્રસંગના પૂર્વાધરૂપે, નવી દીવી ગામ સ્થિત ગુપ્તા ફાર્મ હાઉસ ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લગ્નગ્રંથિથી જોડાનાર 51 દીકરીઓને પાનેતર અને લગ્ન પત્રિકાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. ગુંજ સોશિયલ ગ્રુપ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોની મદદ માટે આ નિઃશુલ્ક સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ પસંદ કરાયેલા 51 યુગલો માટે સંસ્થા દ્વારા દીકરીઓને પાનેતર અને વરરાજા માટે શેરવાની સહિત લગ્નની કંકોત્રીઓ અર્પણ કરવામાં આવી હતી. આ ઉમદા કાર્ય પાછળનો હેતુ આર્થિક રીતે નબળા પરિવારો પર લગ્નનો બોજ ઓછો કરવાનો અને સામાજિક સમરસતા વધારવાનો છે.
આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ સુધીર ગુપ્તા, ઉપપ્રમુખ ગણેશ અગ્રવાલ, ધર્મેશ ચાવડા તેમજ પ્રોજેક્ટ ચેરમેન નીરજ પટેલ સહિતના અગ્રણીઓ અને ગ્રુપના સભ્યો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ આગામી સમૂહ લગ્નોત્સવ નિર્વિઘ્ને સંપન્ન થાય તે માટે શુભેચ્છાઓ પાઠવી હતી. ગુંજ સોશિયલ ગ્રુપની આ પરંપરાગત સેવાકીય પ્રવૃત્તિને સ્થાનિક સ્તરે ખૂબ જ બિરદાવવામાં આવી રહી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com