Geo Gujarat News

આમોદમાં ખાખીનો ખોફ ઓગળ્યો? ધોળા દિવસે આછોદમાં ચોરટોળકીનો આતંક, માત્ર 15 મિનિટમાં 2.91 લાખની લૂંટ

આમોદ તાલુકાના આછોદ ગામે તસ્કરોએ પોલીસ પેટ્રોલિંગના ધજાગરા ઉડાવતા ધોળા દિવસે એક મોટી લૂંટને અંજામ આપ્યો છે. ચોરટોળકીની હિંમત એટલી હદે વધી ગઈ છે કે તેમણે આછોદ ગામના વેપારી પટેલ મહંમદ ઇસ્માઈલની કારનો કાચ તોડી, નજરના પલકારે માત્ર 15 થી 20 મિનિટના ગાળામાં 2,91,000 રોકડા ભરેલી થેલીની ચોરી કરી ફરાર થઈ ગયા છે.આ ઘટનાએ સમગ્ર પંથકમાં સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. ઘટનાની વિગત મુજબ, વેપારી મહંમદ ઇસ્માઈલ આમોદની બેંકમાંથી મોટી રકમ ઉપાડીને પોતાના ગામે એક સામાજિક પ્રસંગમાં જમવા માટે આવ્યા હતા. તેમણે પોતાની ગાડી સુરક્ષિત સમજી પાર્કિંગમાં મૂકી હતી, પરંતુ તસ્કરો જાણે બેંકથી જ તેમની રેકી કરી રહ્યા હોય તેમ, તક મળતા જ ગાડીનો કાચ ફોડી રકમ સેરવી ગયા હતા. આ કોઈ સામાન્ય ચોરી નહીં પણ સુનિયોજિત કાવતરું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. સવાલ એ થાય છે કે શું બેંકની અંદરથી જ તસ્કરોને આ મોટી રકમની જાણકારી મળી હતી?આ ધડસ્ફોટ ચોરી બાદ આમોદ પોલીસ ઘટનાસ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ તપાસી રહી છે, પરંતુ ધોળા દિવસે થયેલી આ ઘટનાએ પોલીસના ગુપ્તચર તંત્ર અને રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગના દાવાઓની પોલ ખોલી નાખી છે. ભયભીત બનેલા સ્થાનિક વેપારીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જનતા પૂછી રહી છે કે જો ધોળા દિવસે પણ નાગરિકો અને તેમની મિલકત સુરક્ષિત ન હોય, તો કાયદો અને વ્યવસ્થાનો ડર શું માત્ર કાગળ પર જ સીમિત છે?આ ઘટનાએ માત્ર આછોદ ગામ જ નહીં, પરંતુ સમગ્ર આમોદ પંથકના વેપારી આલમમાં ફફડાટ ફેલાવી દીધો છે. ધોળા દિવસે અને એ પણ જાહેર વિસ્તારમાં આટલી મોટી રકમની ચોરી થવી એ બાબત સાબિત કરે છે કે ગુનેગારોના મનમાંથી કાયદાનો ભય સાવ નાબૂદ થઈ ગયો છે. જે પ્રકારે ચોરોએ પૂર્વયોજિત કાવતરું રચીને માત્ર થોડી જ મિનિટોમાં આ ખેલ પાડ્યો, તે જોતા બેંકના સીસીટીવી અને આસપાસની ગતિવિધિઓ પર પણ શંકાની સોય જઈ રહી છે. શું આ ટોળકી લાંબા સમયથી સક્રિય છે? શું સામાન્ય નાગરિકોએ હવે બેંકમાંથી નાણાં લઈને નીકળતી વખતે જીવના જોખમે મુસાફરી કરવી પડશે? પોલીસ પ્રશાસન માત્ર ગુનો નોંધીને સંતોષ માનશે કે પછી આ સંગઠિત ચોરટોળાને જેલના સળિયા પાછળ ધકેલી જનતામાં સુરક્ષાનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરશે, તે અત્યારે સૌથી મોટો સવાલ છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.