Geo Gujarat News

આમોદ: કેરવાડા ગામે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો, ૧૯૯૫થી રક્તદાન કરતા દાતાએ ૯૬મી વખત રક્તદાન કરી પ્રેરણા આપી!

આમોદ તાલુકાના કેરવાડા ગામે સામાજિક એકતા અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ રજૂ કરતી મેગા બ્લડ ડોનેશન કેમ્પનું સફળ આયોજન કરવામાં આવ્યું. કેરવાડા અંબાજીધામ વિકાસ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને રેડ ક્રોસ બ્લડ બેંક, ભરૂચના સહયોગથી AVCT કેન્દ્ર ખાતે યોજાયેલા આ કેમ્પમાં આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં રક્તદાતાઓ ઉમટી પડ્યા હતા.આ કેમ્પનું ઉદઘાટન ૧૯૯૫થી નિયમિત રક્તદાન કરતા અને અત્યાર સુધી ૯૬ વખત રક્તદાન કરનાર દાહોદ જિલ્લાના જાણીતા રક્તદાતા અમિતભાઈ નાથાણી તેમજ કેરવાડાના મુસ્લિમ અગ્રણી મુમતાજખાન દ્વારા કરવામાં આવ્યું. ટ્રસ્ટના મંત્રી ડૉ. યોગેશભાઈ કોઠારીના સંયોજન હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં હિન્દુ-મુસ્લિમ ભાઈ-બહેનોએ એકતાનો સંદેશ આપતા ઉત્સાહપૂર્વક રક્તદાન કર્યું હતું.કેરવાડા ઉપરાંત કોલવણા, તણછા, આમોદ, પખાજણ સહિતના ગામોના રક્તદાતાઓએ કેમ્પને સફળ બનાવ્યો. ખાસ કરીને અમિતભાઈ નાથાણીએ કેરવાડા ગામે પોતાની ૯૬મી વખતની રક્તદાન કરીને સૌને પ્રેરણા આપી હતી. ભરૂચ દૂધધારા ડેરીના વાઇસ ચેરમેન સંજયસિંહ રાજ, તણછાના આગેવાન સિદ્ધરાજસિંહ વાંસદિયા તેમજ કેરવાડાના મહિલા સરપંચ વિલાસબેન સંજયસિંહ રાજ સહિતના આગેવાનોએ પણ રક્તદાન કરી સામાજિક જવાબદારી નિભાવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા AVCT કેરવાડાના પ્રમુખ સંગ્રામસિંહ કપલેટિયા, ઉપપ્રમુખ સંજયસિંહ રાજ, મંત્રી ડૉ. યોગેશભાઈ કોઠારી, ખજાનચી દર્શનસિંહ રાજ સહિત ગણેશ યુવક મંડળ, કેરવાડા મુસ્લિમ યુથ ક્લબ અને અંબાજી મહિલા મંડળે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. દિવસ દરમિયાન કેરવાડાના વહીદખાને રક્તદાતાઓ માટે સરબતની સેવા પૂરી પાડી હતી. કાર્યક્રમનું સંચાલન રવિભાઈ ગોસ્વામીએ કર્યું અને સંકટના સમયમાં રક્તદાનની મહત્વતા પર પ્રકાશ પાડ્યો. અંતે રેડ ક્રોસ બ્લડ બેંક ભરૂચ તથા AVCT ટ્રસ્ટ તરફથી તમામ રક્તદાતાઓને સ્મૃતિભેટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.