રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીના પાવન અવસરે વાગરાની વાંતા મિશ્ર શાળા ખાતે દેશભક્તિના અભૂતપૂર્વ માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં ધ્વજવંદન બાદ વિદ્યાર્થીઓએ પ્રસ્તુત કરેલી વિવિધ કૃતિઓએ સમગ્ર વાતાવરણને રાષ્ટ્રપ્રેમથી તરબતર કરી દીધું હતું. કાર્યક્રમની વિશેષતા શાળાના બાળકો દ્વારા કાઢવામાં આવેલી ભવ્ય તિરંગા રેલી રહી હતી. હાથમાં રાષ્ટ્રધ્વજ ધારણ કરી દેશ ભક્તિના ગગનભેદી નારાઓ સાથે જ્યારે બાળકો ગ્રામ્ય માર્ગો પર નીકળ્યા, ત્યારે ગ્રામજનોમાં પણ દેશભક્તિનો અનેરો જુવાળ જોવા મળ્યો હતો. આ રેલી દ્વારા બાળકોએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાનો સુંદર સંદેશ ફેલાવ્યો હતો.
સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓએ દેશભક્તિ પર આધારિત વિવિધ કૃતિઓ, ગીતો અને સંવાદો રજૂ કર્યા હતા. બાળકોની કલા અને ઉત્સાહને ઉપસ્થિત સૌ કોઈએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા. આ પ્રસંગે શાળામાં શૈક્ષણિક તેમજ અન્ય પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર તેજસ્વી વિદ્યાર્થીઓ અને પાયાની ભૂમિકા ભજવનાર શાળાના સ્ટાફનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. મહાનુભાવોના હસ્તે પ્રોત્સાહક ઇનામો અને સન્માન પત્રો આપીને સૌનો ઉત્સાહ વધારાયો હતો. આ ઉજવણીમાં શાળાના આચાર્ય, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com