વાગરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ વીજ કંપનીએ આક્રમક મૂડમાં તપાસની કાર્યવાહી હાથ ધરતા સમગ્ર પંથકમાં ભારે હલચલ મચી ગઈ હતી. વસ્તી ખંડાલી અને વાગરા સહિતના આસપાસના ગામોમાં વીજ નિગમના અધિકારીઓ અને કર્મચારીઓની ટીમોએ પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ધામા નાખ્યા હતા. અંદાજે ૧૦ થી ૧૨ વાહનોના વિશાળ કાફલા સાથે ત્રાટકેલી આ ટીમોએ રહેણાંક અને વ્યવસાયિક વીજ જોડાણોની બારીકાઈથી તપાસ શરૂ કરી હતી. ખાસ કરીને મીટરોમાં કોઈ ગેરરીતિ, ડાયરેક્ટ લંગર દ્વારા થતી વીજ ચોરી અથવા મંજૂર કરેલા લોડ કરતા વધુ વપરાશ જેવા મુદ્દાઓ પર ટીમે ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. લાંબા સમયથી શંકાસ્પદ જણાતા કનેક્શનો પર વીજ કંપનીએ તવાઈ બોલાવી હતી, જેના કારણે ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
અચાનક થયેલી આ કાર્યવાહીને પગલે ગ્રામજનોમાં ક્યાંક ફાળ તો ક્યાંક કુતૂહલનો માહોલ જોવા મળ્યો હતો. કામગીરી દરમિયાન કોઈ ઘર્ષણ કે અડચણ ઉભી ન થાય તે માટે પોલીસનો પૂરતો કાફલો સતત ખડેપગે રહ્યો હતો. વીજ કંપનીના સૂત્રોના જણાવ્યા અનુસાર, આ એક નિયમિત કાયદેસરની પ્રક્રિયા છે જેનો મુખ્ય ઉદ્દેશ્ય વીજ લોસ ઘટાડવાનો અને પારદર્શિતા લાવવાનો છે. જોકે, આ દરોડા દરમિયાન કેટલી વીજ ચોરી પકડાઈ અને કેટલા ગ્રાહકો સામે દંડાત્મક પગલાં લેવામાં આવ્યા છે, તેની સત્તાવાર આંકડાકીય માહિતી તપાસની સંપૂર્ણ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ જ જાહેર કરવામાં આવશે. હાલમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગનો દોર જારી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com