વાગરા તાલુકાના વિલાયત GIDCમાં આવેલી આદિત્ય બિરલા ગ્રાસીમ કંપનીમાં ગિરવાન ઇન્ડસ્ટ્રીઝ નામના પાઈપિંગના કોન્ટ્રાક્ટમાં કામ કરતા એક યુવાન કામદારે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી ગઈ છે. બનાવની વિગતો અનુસાર, વિલાયત ગામમાં ભાડેના મકાનમાં રહેતા અને ગ્રાસીમ કંપનીમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા પવનકુમાર મુરલીધર વર્મા અને તેમના ૨૨ વર્ષીય સાળા પવન રંજન પ્રસાદ ગત ૨૮ જાન્યુઆરીના રોજ સવારે નોકરી પર જવા નીકળ્યા હતા. તે દરમિયાન પવન રંજને પોતાને છાતીમાં દુખાવો થતો હોવાનું જણાવી નોકરી પર જવાનું ટાળ્યું હતું અને પરત રૂમ પર આવી ગયો હતો. સાંજના સમયે પવનકુમાર અને તેમની સાથે રહેતા અન્ય ૧૫ જેટલા કામદારો નોકરી પૂર્ણ કરી પરત આવ્યા ત્યારે રૂમનો દરવાજો અંદરથી બંધ હતો. લાંબા સમય સુધી દરવાજો ખખડાવવા છતાં અંદરથી કોઈ પ્રતિસાદ ન મળતા અંતે કામદારોએ ભેગા મળી દરવાજો તોડી નાખ્યો હતો. રૂમની અંદર પ્રવેશતા જ સૌના હોશ ઉડી ગયા હતા. પવન રંજને કપડાં સુકવવાની નાઈલોનની દોરી વડે લોખંડની એંગલ સાથે ગળેફાંસો ખાઈ લીધો હતો. આ ઘટનાની જાણ તાત્કાલિક વાગરા પોલીસને કરવામાં આવતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડી હતી અને આત્મહત્યા પાછળના કારણો જાણવા વધુ તપાસ હાથ ધરી છે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com