Geo Gujarat News

વાગરા તાલુકા પંચાયતને ગ્રહણ, નેતાજીના હારતોરામાં બાબુઓ મસ્ત, કચેરીના ઉંબરે જનતા ત્રસ્ત!, સાહેબોની નેતાભક્તિ જનતા પર ભારે, તાલુકા પંચાયતમાં બપોરે ૧૨ વાગ્યે પણ કાગડા ઉડ્યા!

જનતાના કામમાં બ્રેક, નેતાના પ્રોગ્રામમાં પૂરેપૂરી હાજરી! : વાગરા તાલુકા પંચાયતની કાર્યપ્રણાલી પર આજે ફરી એકવાર ફિટકારની વર્ષા થઈ છે. લોકશાહીમાં જે જનતા જનાર્દન ગણાય છે, તે જ જનતા આજે સરકારી બાબુઓની નેતાભક્તિના કારણે કચેરીના ઉંબરે ધૂળ ફાંટતી જોવા મળી હતી. રહાડ ગામે યોજાયેલા ગ્રામ પંચાયતના ખાતમુહૂર્ત કાર્યક્રમમાં ધારાસભ્ય અરુણસિંહ રણાની હાજરી હોવાથી તાલુકા પંચાયતના અધિકારીઓ અને કર્મચારીઓમાં જાણે પોતાનું મૂળ કામ ભૂલી જવાની સ્પર્ધા લાગી હતી. આખેઆખી કચેરી ખાલી કરીને સરકારી બાબુઓ નેતાજીના સ્વાગતમાં પલકપાંવડે બિછાવીને બેસી ગયા હતા, જેના કારણે સામાન્ય જનતા રઝળી પડી હતી.​ખાલી ખુરશીઓ અને તરસ્યા અરજદારો : ​બપોરે ૧૨ વાગ્યા જેવો કચેરીનો ધમધમતો સમય હોવા છતાં વાગરા તાલુકા પંચાયતની કચેરી કોઈ ભૂતિયા બંગલા જેવો નજારો રજૂ કરતી હતી. છેવાડાના ગામડાઓમાંથી મજૂરી છોડીને, મોંઘા ભાડાં ખર્ચીને પોતાના દાખલા, યોજનાકીય ફોર્મ કે અન્ય રજૂઆતો માટે આવેલા ગરીબ અરજદારો કલાકો સુધી સાહેબોની રાહ જોઈને બેસી રહ્યા હતા. પરંતુ કચેરીમાં કોઈ જવાબ આપનાર ન હોતું. સવાલ એ થાય છે કે, જો આખું તંત્ર નેતાઓના પ્રોટોકોલમાં જ વ્યસ્ત રહેવાનું હોય, તો જનતા માટે કચેરીના દરવાજા ખોલવાનો અર્થ જ શું છે?સાહેબોને પ્રજા કરતા ફોટોગ્રાફી વહાલી! : રહાડ ખાતેના કાર્યક્રમમાં અધિકારીઓ એવી રીતે હાજર રહ્યા હતા જાણે તાલુકા પંચાયતનું બધું જ કામ પૂર્ણ થઈ ગયું હોય! એકબાજુ સરકાર ગામડે પ્રશાસનના બણગા ફૂંકે છે, ત્યારે બીજી બાજુ વાગરાના અધિકારીઓ કચેરી છોડીને નેતાઓની આસપાસ ભમવામાં જ પોતાની ધન્યતા સમજે છે. અરજદારોએ રોષે ભરાઈને જણાવ્યું હતું કે, અમે સવારના ભૂખ્યા-તરસ્યા બેઠા છીએ, અને સાહેબો ત્યાં હારતોરા કરવામાં વ્યસ્ત છે. શું અમને ન્યાય આપવાની જવાબદારી કોઈની નથી?વહીવટી તંત્રની ઘોર બેદરકારી : ઉચ્ચ અધિકારીઓની આ નઘરોળ નીતિ અને સત્તાધારી પક્ષના નેતાઓ પાછળ દોડવાની વૃત્તિને કારણે વહીવટી માળખું કથળ્યું છે. જનતાના ટેક્સના પૈસે પગાર લેતા આ સફેદ હાથીઓ ક્યારે ભાનમાં આવશે? શું જિલ્લા વિકાસ અધિકારી આ લાપરવાહ અધિકારીઓ સામે લાલ આંખ કરશે કે પછી લોટ પાણી ને લાકડા જેવો ઘાટ ચાલુ રહેશે? તેવા પ્રશ્નો જનતામાંથી ઉઠવા પામ્યા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.