પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા જાહેર માર્ગો બ્લુ રંગે રંગાયા : ઔદ્યોગિક હબ ગણાતી વાગરાની સાયખા GIDC માં આજે પ્રશાસનની નઘરોળ નીતિ અને ખોદકામમાં દાખવવામાં આવેલી ઘોર બેદરકારીને કારણે પર્યાવરણના ધજાગરા ઉડ્યા હતા. જય કેમિકલ ચોકડીથી માત્ર ૩૦૦ મીટરના અંતરે રોડની સાઈડમાં તેમજ જાહેર માર્ગો પર અચાનક વાદળી રંગની નદીઓ વહેતી જોતા આસપાસના લોકોમાં ભારે કુતૂહલ સાથે ફફડાટ વ્યાપી ગયો હતો. પાઈપલાઈન તોડનારા જેસીબીના પંજાએ તંત્રના સલામત ઉદ્યોગના બણગાની પોલ ખોલી નાખી છે.
ખોદકામમાં લાપરવાહી, આખું ક્ષેત્ર કલરયુક્ત બન્યું : વિગતવાર ઘટના મુજબ, સાયખા GIDC વિભાગ દ્વારા નવા નેટવર્ક માટે પાઈપલાઈન બિછાવવાની કામગીરી ચાલી રહી હતી. જેસીબી મશીન વડે થઈ રહેલા ખોદકામ દરમિયાન ચાલક કે સુપરવાઈઝરની ગંભીર ક્ષતિને કારણે CETPની લાઈનમાં મોટું ભંગાણ પડ્યું હતું. આ ભંગાણને કારણે હજારો ગેલન કલરયુક્ત પાણી જોતજોતામાં રસ્તા પર ફરી વળ્યું હતું. જે માર્ગો પર વાહનોની અવરજવર હોય છે, ત્યાં કલરયુક્ત પાણીના સરોવર ભરાતા રાહદારીઓ અને વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.
અધિકારીઓનો બચાવ કે ગુનો છુપાવવાનો પ્રયાસ? : ઘટનાની જાણ થતા જ GIDC ના અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચ્યા હતા. અને પાણીના નિકાલ માટે પંપિંગ શરૂ કરાવ્યું હતું. જોકે, જ્યારે મીડિયા અને સ્થાનિકોએ આ દૂષિત પાણી અંગે સવાલ કર્યા ત્યારે અધિકારીએ અત્યંત હાસ્યાસ્પદ જવાબ આપતા કહ્યું કે, આ માત્ર કલરવાળું પાણી છે, કેમિકલ નથી, અમે તેની ખરાઈ કરી છે. સવાલ એ ઉઠે છે કે શું CETP લાઈનમાં ઉદ્યોગો શુદ્ધ રંગીન પાણી વહાવે છે? પ્રદૂષિત પાણીને શુદ્ધ બતાવવાનો આ પ્રયાસ ઉદ્યોગોના પાપ પર પડદો નાખવા સમાન છે.
માનવ અધિકાર અને સેફ્ટીના ધજાગરા : સૌથી ચોંકાવનારી બાબત એ જોવા મળી હતી કે, જે કામદારો આ કલરયુક્ત પાણીના નિકાલની પ્રક્રિયામાં લાગ્યા હતા, તેઓ કોઈપણ પ્રકારના સેફ્ટી શૂઝ, ગ્લવ્ઝ કે માસ્ક વગર સીધા એ જોખમી પાણીના સંપર્કમાં હતા. અધિકારીઓની હાજરીમાં જ કામદારોના સ્વાસ્થ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા જોવા મળ્યા હતા.
જો આ પાણી જોખમી નથી, તો તેને CETP લાઈનમાં કેમ વહાવવામાં આવતું હતું? : અધિકારીઓનો આ દાવો કે આ માત્ર કલરયુક્ત પાણી છે અને જોખમી નથી. તે તાર્કિક રીતે ગળે ઉતરે તેમ નથી, કારણ કે જો આ પાણી ખરેખર જોખમી કે કેમિકલયુક્ત ન હોત, તો તેને CETP જેવી સ્પેશિયલ લાઈનમાં વહાવવાની જરૂર જ શું હતી? સામાન્ય રીતે CETP લાઈનનો ઉપયોગ જ ઉદ્યોગોના ઝેરી અને પ્રદૂષિત પાણીને ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી પહોંચાડવા માટે કરવામાં આવે છે. જો આ પાણીમાં કેમિકલના અંશ નહોતા, તો શું ઉદ્યોગો શુદ્ધ પાણી વહાવવા માટે લાખોનો ખર્ચ કરે છે? અધિકારીઓનો આ લૂલો બચાવ સ્પષ્ટપણે ઉદ્યોગોના પાપ પર પડદો નાખવાનો અને પોતાની લાપરવાહી છુપાવવાનો શરમજનક પ્રયાસ હોય તેવું દેખાઈ રહ્યું છે. પર્યાવરણના નિયમો મુજબ જે પાણી માટે ખાસ લાઈન નિર્ધારિત હોય, તે જાહેર માર્ગો પર વહે ત્યારે તે જોખમી જ ગણાય, ભલે સાહેબો તેને ગમે તેટલું શુદ્ધ ગણાવે.
શું GIDC પાસે ભૂગર્ભ લાઈનોનો કોઈ નકશો નથી કે ગમે ત્યાં જેસીબી ચલાવી દેવાય છે? : આ ઘટનાએ GIDCના એન્જિનિયરિંગ વિભાગની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. સવાલ એ થાય છે કે શું GIDC પાસે પોતાની જ નાખેલી ભૂગર્ભ લાઈનોનો કોઈ નક્કર નકશો ઉપલબ્ધ નથી? કોઈપણ ઔદ્યોગિક વસાહતમાં જ્યારે જેસીબી જેવા ભારે મશીનો વડે ખોદકામ કરવામાં આવે, ત્યારે ભૂગર્ભ ગેસ લાઈન, ઇલેક્ટ્રિક કેબલ કે કેમિકલ એફ્લુએન્ટ લાઈનોનું ધ્યાન રાખવું અનિવાર્ય હોય છે. પરંતુ સાયખામાં જે રીતે આડેધડ ખોદકામ કરીને CETP લાઈન તોડી નાખવામાં આવી, તે જોતા લાગે છે કે અહીં બધું અંધેર નગરી ને ગંડુ રાજા જેવું ચાલી રહ્યું છે. નકશા વગર કે લાઈન લોકેશનની જાણકારી વગર જેસીબી ચલાવી દેવું એ માત્ર લાપરવાહી નથી, પરંતુ મોટી દુર્ઘટનાને આમંત્રણ આપવા સમાન ગુનાહિત બેદરકારી છે. શું તંત્ર કોઈ મોટી હોનારતની રાહ જોઈ રહ્યું છે?
ગંભીર પ્રદૂષણ ફેલાવવા બદલ જવાબદાર કંપની અને કોન્ટ્રાક્ટર સામે GPCB કેમ મૌન છે? : સાયખામાં સર્જાયેલી આ પર્યાવરણીય આફત બાદ હવે જનતામાં એક જ સવાલ ઉઠી રહ્યો છે કે, ગંભીર પ્રદૂષણ ફેલાવવા બદલ જવાબદાર કંપની અને કોન્ટ્રાક્ટર સામે GPCB કેમ મૌન સેવી રહ્યું છે? જ્યારે સામાન્ય સંજોગોમાં પ્રદૂષણના નામે ઉદ્યોગોને નોટિસો ફટકારતું બોર્ડ, આટલી મોટી બેદરકારી નજર સામે હોવા છતાં કેમ કુંભકર્ણી નિદ્રામાં છે? જાહેર માર્ગો કેમિકલથી રેલમછેલ થયા અને પર્યાવરણને નુકસાન પહોંચ્યું હોવા છતાં GPCB ના અધિકારીઓની આ ચુપકીદી અનેક શંકા-કુશંકાઓને જન્મ આપે છે. શું પ્રદૂષણ રોકવાની જવાબદારી ધરાવતું આ તંત્ર જવાબદાર કોન્ટ્રાક્ટર અને કંપનીને છાવરવા માંગે છે? જો સમય રહેતા કડક દંડ અને ફોજદારી કાર્યવાહી નહીં કરવામાં આવે, તો ભવિષ્યમાં આવી ઘોર લાપરવાહી સામે ઉદ્યોગો અને તંત્રને કોઈનો ડર નહીં રહે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com