Geo Gujarat News

વાગરા: ખનીજ માફિયાઓના કાળા કારોબાર પર મામલતદારનો પ્રહાર, રોયલ્ટી ચોરોની શાન ઠેકાણે લાવતી કડક કાર્યવાહી

વાગરા તાલુકામાં ખનીજ સંપત્તિની લૂંટ ચલાવતા તત્વો સામે મામલતદારે રુદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સરકારી તિજોરીને ચૂનો લગાડી રહેલા ખનીજ માફિયાઓ પર તવાઈ બોલાવતા વાગરા મામલતદાર મીનાબેન પટેલે વધુ એક ગેરકાયદેસર ડમ્પર ઝડપી પાડીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે, નિયમોનું ઉલ્લંઘન કરનારાઓની હવે ખેર નથી. મળતી વિગતો અનુસાર, વહિયાલ-સુતરેલ માર્ગ પરથી પસાર થઈ રહેલા હાઈવા ડમ્પર નંબર GJ-16-AY-6211 ને મામલતદારની ટીમે રોકીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન ડમ્પરમાં ભરેલી કપચી માટે કોઈ પણ કાયદેસરની રોયલ્ટી પાસ કે આધારભૂત દસ્તાવેજો મળી આવ્યા ન હોતા. રોયલ્ટી ચોરી કરીને ખનીજ વહન કરવાની આ ધૃષ્ટતા જોઈ મામલતદારે સ્થળ પર જ કડક વલણ અપનાવી ડમ્પરને સીઝ કરી દીધું હતું અને સમગ્ર મામલો વાગરા પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહીના આદેશ આપ્યા હતા.વાગરા મામલતદારની આ સતત બીજી મોટી કાર્યવાહી છે. ઉલ્લેખનીય છે કે, ગત દિવસોમાં પણ ગેરકાયદે ખનીજ વહન કરતા ૩ હાઈવા ડમ્પરો ઝડપાયા હતા, જે હજુ પણ તંત્રના કડક કબ્જા હેઠળ છે. એક તરફ ભૂમાફિયાઓ છૂપી રીતે ખનીજ ચોરીના રસ્તાઓ શોધી રહ્યા છે, ત્યારે બીજી તરફ મામલતદારની સક્રિયતાએ તેમના તમામ મનસૂબાઓ પર પાણી ફેરવી દીધું છે. મામલતદારે જણાવ્યું હતું, કે સરકારી ખનીજની ચોરી કરનાર કોઈપણ શખ્સને છોડવામાં આવશે નહીં. અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે આગામી દિવસોમાં હજુ પણ વધુ કડક પગલાં લેવામાં આવશે. આ કાર્યવાહીને પગલે સમગ્ર પંથકના ખનીજ માફિયાઓમાં ભારે ફફડાટ અને દોડધામ મચી ગઈ છે. તંત્ર દ્વારા કરવામાં આવેલી આ આકરી કાર્યવાહીથી ગેરકાયદે પ્રવૃત્તિ કરતા તત્વોમાં હવે ફફડાટ વ્યાપ્યો છે કે આગામી નંબર કોનો હશે?

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.