Geo Gujarat News

વાગરા: સાયખા GIDCમાં ખાનગી બિલ્ડીંગ પર લાગેલ LED લાઈટ વાહનચાલકો માટે બની જોખમી! હાઈબીમ LED ના લીધે રસ્તો બન્યો અદ્રશ્ય

હાઈબીમ લાઈટના કારણે વાહનચાલકોની આંખોમાં અંધારા, તંત્ર ક્યારે જાગશે? : ઔદ્યોગિક હબ ગણાતા સાયખા GIDCમાં ઉદ્યોગોની સુરક્ષાના નામે સામાન્ય જનતાના જીવ જોખમમાં મૂકતી એક ગંભીર ઘટના સામે આવી છે. અહીં જય કેમિકલ ચોકડી નજીક, ઇકો ફાઇન કેમ કંપનીની બિલકુલ સામે આવેલી એક ખાનગી બિલ્ડીંગ પરથી પ્રક્ષેપિત થતી હાઈ-વોલ્ટેજ LED લાઈટ રોડ પરથી પસાર થતા વાહન ચાલકો માટે મોતનું ફોકસ સાબિત થઈ રહી છે. સાયખાથી વાગરા તરફ જતા માર્ગ પર આ લાઈટની તીવ્રતા એટલી ભયાનક છે કે વાહન ચાલકોની આંખો ક્ષણભર માટે સંપૂર્ણ અંજાઈ જાય છે, જેના કારણે આગળનો રસ્તો દેખાતો બંધ થઈ જાય છે. દુર્ભાગ્યની વાત તો એ છે કે, આ જ સ્થળે બે અત્યંત જોખમી વળાંક આવેલા છે, જ્યાં સહેજ પણ બેદરકારી કે અંધાપો ગમખ્વાર અકસ્માત નોતરી શકે છે.આ હાઈબીમ LED લાઈટ ડ્રાઈવરોને કરી રહી છે બ્લાઈન્ડ : સ્થાનિક વાહનચાલકો અને રાહદારીઓમાં આ મુદ્દે પ્રચંડ રોષ ભભૂકી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે બિલ્ડીંગના માલિકો પોતાની સુવિધા ખાતર જાહેર સુરક્ષાના ધજાગરા ઉડાવી રહ્યા છે. જો રાત્રિના સમયે આ લાઈટના કારણે કોઈ નિર્દોષ વાહન ચાલક અકસ્માતનો ભોગ બનશે, તો શું આ કંપની કે બિલ્ડીંગ સંચાલકો તેની જવાબદારી સ્વીકારશે? તંત્રની મૌન સંમતિ સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. અત્યારે તો વાહનચાલકો એક જ સુરમાં માંગ કરી રહ્યા છે કે, કોઈ લોહીયાળ ઘટના બને તે પહેલા આ લાઈટનું ડાયરેક્શન તાત્કાલિક બદલવામાં આવે જેથી મોટી દુર્ઘટના થતા અટકાવી શકાય.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.