વાગરા તાલુકાના જોલવા વિસ્તારમાં કામદારોને જોખમી રીતે પરિવહન કરવાના દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ભારે ચર્ચા અને આક્રોશ જોવા મળી રહ્યો છે. વાયરલ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે કંપનીમાં કામ કરતા મજૂરોને આઇસર ટેમ્પામાં અત્યંત ભીડભાડ ભરેલા હાલતમાં લઈ જવામાં આવી રહ્યા છે, જ્યાં ન તો યોગ્ય બેઠકની વ્યવસ્થા છે અને ન તો કોઈ પ્રકારની સુરક્ષા સુવિધા ઉપલબ્ધ છે. આ પ્રકારનું પરિવહન મજૂરોના જીવન સાથે ખુલ્લેઆમ જોખમ લેતું હોવાનો ગંભીર આરોપ ઉઠી રહ્યો છે.
પ્રાપ્ત વિગતો મુજબ, રોજિંદી મજૂરી પર આધારિત કામદારોને કંપની સુધી પહોંચાડવા માટે નિયમો અને સુરક્ષા ધોરણોને બાજુ પર રાખીને આવા વાહનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. ટેમ્પામાં ખીચોખીચ ઉભા રહેવા મજબૂર કામદારો માટે આ મુસાફરી અત્યંત જોખમી બની રહી છે, અને જો કોઈ અકસ્માત થાય તો ગંભીર જાનહાનિ સર્જાવાની શક્યતા નકારી શકાતી નથી. આ બાબતે લોકોમાં સવાલ ઊભો થયો છે કે આવી પરિસ્થિતિમાં જવાબદારી કોની રહેશે અને કેમ હજુ સુધી સંબંધિત વિભાગો દ્વારા કોઈ કડક પગલાં લેવામાં આવ્યા નથી. વાયરલ વીડિયોએ પ્રશાસનની કામગીરી પર પણ પ્રશ્નચિહ્ન ઊભું કર્યું છે. માનવ સુરક્ષા અને શ્રમ કાયદાના ખુલ્લા ઉલ્લંઘન છતાં કાર્યવાહી ન થવી પ્રશાસનિક બેદરકારી તરફ ઈશારો કરે છે તેવી લોકચર્ચા છે. હવે જનતા અને કામદારોની નજર સત્તાવાળાઓ પર ટકી છે કે શું તેઓ તાત્કાલિક દખલ લઈ આવા જોખમી પરિવહન પર પ્રતિબંધ મૂકે અને મજૂરોની સલામતી સુનિશ્ચિત કરશે કે પછી આ મુદ્દો પણ કાગળ પર જ રહી જશે.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com