Geo Gujarat News

આમોદમાં રખડતા શ્વાનોનો આતંક: 24 કલાકમાં ચાર નિર્દોષ બાળકો પર હુમલા, નગરમાં ભય અને ચિંતા

આમોદ નગરમાં છેલ્લા 24 કલાક દરમિયાન રખડતા શ્વાનોના હુમલાની ચોંકાવનારી ઘટનાઓ સામે આવી છે, જેમાં અલગ-અલગ વિસ્તારોમાં રમતા ચાર નિર્દોષ બાળકો લોહીલુહાણ થયા હતા. ઘટના બાદ માતા-પિતાઓમાં ભય અને ચિંતા વ્યાપી ગઈ છે, કારણ કે બાળકો માટે સુરક્ષિત ગણાતા રહેણાંક વિસ્તારો હવે જોખમી બનતા નજરે પડી રહ્યા છે.ઈજાગ્રસ્ત બાળકોને તાત્કાલિક આમોદ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા, જ્યારે વધુ ગંભીર ઈજાઓ ધરાવતા બે બાળકોને ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરાયા હતા. નાના બાળકો પર થયેલા હુમલાને કારણે સમગ્ર વિસ્તારમાં તણાવ અને અસુરક્ષાની લાગણી ફેલાઈ ગઈ છે.સ્થાનિક રહીશો મુજબ છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોનો ત્રાસ વધી રહ્યો હતો અને વારંવાર રજૂઆત છતાં અસરકારક પગલાં લેવામાં આવ્યા નહોતા. ઘટના બાદ રહીશો નગરપાલિકા મુખ્ય અધિકારી પંકજ નાયક સમક્ષ પહોંચ્યા હતા અને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી હતી. નગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેકટર હિતેશ અસારીના જણાવ્યા મુજબ નાગરિકોની રજૂઆત મળતા જ રખડતા શ્વાનો પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. શ્વાન કરડવાના ભોગ બનેલા બાળકોમાં રોહન મોહસીન પટેલ 4 વર્ષ, યાસીન એસ. ખત્રી 6 વર્ષ, અબુબકર સૈયદ ખત્રી 5 વર્ષ અને મોહમ્મદ અલી સોયબ દાયમા અઢી વર્ષ નો સમાવેશ થાય છે. નાગરિકો દ્વારા માંગ ઉઠી રહી છે કે માત્ર તાત્કાલિક કાર્યવાહી નહીં પરંતુ લાંબા ગાળાની વ્યવસ્થા, રસીકરણ, નિયંત્રણ અને સુરક્ષા માટે સખત આયોજન જરૂરી છે જેથી આવનારા સમયમાં આવી ઘટનાઓ ફરી ન બને.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.