Geo Gujarat News

આમોદ: તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા ચાર ગામોમાં લીગલ એઈડ ક્લીનીકનો શુભારંભ, ગ્રામ્ય વિસ્તારમાં કાનૂની જાગૃતિને પ્રોત્સાહન

આમોદ તાલુકામાં સમાજમાં કાનૂની જાગૃતિ ફેલાવવા અને ગ્રામ્ય વિસ્તારોમાં નાગરિકોને સરળતાથી કાનૂની સહાય મળી રહે તેવા હેતુસર તાલુકા કાનૂની સેવા સમિતિ, આમોદ દ્વારા લીગલ એઈડ ક્લીનીકનો શુભારંભ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળ, અમદાવાદના નેજા હેઠળ અને જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભરૂચ દ્વારા સંચાલિત આ પહેલ અંતર્ગત આમોદ તાલુકાના દેણવા, અનોર, માતર અને સરભાણ ગામોમાં લીગલ એઈડ ક્લીનીક શરૂ કરવામાં આવી છે.દેણવા, અનોર, માતર અને સરભાણ ગ્રામ પંચાયત ખાતે યોજાયેલ કાર્યક્રમમાં જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ, ભરૂચના પૂર્ણકાલીન સચિવ પી.પી.મોકાશીના માર્ગદર્શન હેઠળ તેમજ તાલુકા લીગલ સેવા સમિતિ આમોદના ચેરમેન રવિકુમાર.આર.પરમારના માર્ગદર્શન હેઠળ વિધિવત ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે તાલુકા લીગલ સેવા સમિતિ આમોદના સેક્રેટરી એસ.પી.સંતોકી, આમોદ વકીલબારના સભ્ય વિકાસ જે. પટેલ, ગ્રામ પંચાયતના સરપંચો અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.લીગલ એઈડ ક્લીનીક દ્વારા હવે ગ્રામ્ય વિસ્તારોમાં વસતા નાગરિકોને મફત કાનૂની સલાહ, માર્ગદર્શન અને કાનૂની સહાય અંગેની માહિતી સરળતાથી મળી શકશે. ખાસ કરીને ટ્રાઈબલ, શોષિત, વંચિત અને કાયદાથી અજાણ વર્ગ સુધી કાનૂની જાગૃતિ પહોંચાડીને તેમને ન્યાય અપાવવાનો મુખ્ય હેતુ રાખવામાં આવ્યો છે. સમાજનો દરેક વ્યક્તિ કાયદાથી જાણકાર બને અને ન્યાય સર્વ માટે સમાન છે તેવો સંદેશ પહોંચે તે માટે આ પહેલ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.આ પ્રસંગે તાલુકા લીગલ સેવા સમિતિના સેક્રેટરી એસ.પી.સંતોકીએ લીગલ એઈડ ક્લીનીકના હેતુ અને સેવાઓ અંગે માહિતી આપી હતી. હાલ આ પહેલને કારણે ગ્રામ્ય વિસ્તારોમાં કાનૂની જાગૃતિ વધશે અને જરૂરિયાતમંદ લોકોને સમયસર માર્ગદર્શન મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.