Geo Gujarat News

વાગરા: વિલાયતની સીમમાં દીપડાની લટાર, પાંજરું મુકવા ગ્રામજનોની ઉગ્ર માંગ, ખેડૂતે જીવના જોખમે ઉતારેલો વીડિયો થયો વાયરલ!

ભરૂચ જિલ્લાના ઔદ્યોગિક ગણાતા વાગરા તાલુકામાં ફરી એકવાર વન્યપ્રાણી અને માનવ વચ્ચેના સંઘર્ષની ભીતિ સેવાઈ રહી છે. વાગરાના વિલાયત અને અરગામા ગામની સીમમાં દીપડાના આંટાફેરા હોવાની વાત હવે માત્ર અફવા રહી નથી, પરંતુ તેના નક્કર પુરાવા પણ સામે આવ્યા છે. તાજેતરમાં વિલાયત ગામની સીમમાં આવેલા સોલાર પ્લાન્ટ નજીક એક જાગૃત ખેડૂતે હિંમત દાખવીને દીપડાનો લાઈવ વીડિયો પોતાના મોબાઈલ કેમેરામાં કેદ કરી લીધો હતો, જે હાલ સોશિયલ મીડિયા પર જોરશોરથી વાયરલ થઈ રહ્યો છે. ​વાયરલ થયેલા આ વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે દીપડો નિરાંતે લટાર મારી રહ્યો છે. આ દ્રશ્યો સામે આવતાની સાથે જ વિલાયત તેમજ પાડોશી ગામ અરગામાના ગ્રામજનોમાં ભયનું લખલખું પ્રસરી ગયું છે. ખાસ કરીને ખેતીવાડી પર નભતા લોકો માટે આ ચિંતાનો વિષય બન્યો છે. હાલ શિયાળુ પાકની સિઝન હોવાથી ખેડૂતોને રાત્રિના સમયે ખેતરમાં પિયત માટે જવું અનિવાર્ય હોય છે, પરંતુ દીપડાની હાજરીને કારણે તેઓ ખેતરે જતા પણ ફફડી રહ્યા છે.પશુપાલકો પણ પોતાના દુધાળા ઢોરની સુરક્ષાને લઈને ચિંતિત બન્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે જો દીપડાનો પરિવાર આ વિસ્તારમાં જ ધામા નાખશે તો કોઈ પશુ કે માણસ પર હુમલો થવાની સંભાવના નકારી શકાય નહીં. ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. ત્યારે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે. ​આ ગંભીર પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ગ્રામજનોએ વાગરા વન વિભાગને તાત્કાલિક પગલાં લેવા રજૂઆત કરી છે. લોકોની માંગ છે કે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં તાત્કાલિક સર્વે હાથ ધરવામાં આવે, રાત્રિ પેટ્રોલિંગ વધારવામાં આવે અને દીપડાના પરિવારને સુરક્ષિત રીતે પકડી લેવા માટે પાંજરા ગોઠવવામાં આવે. જ્યાં સુધી દીપડાઓ પાંજરે નહીં પુરાય ત્યાં સુધી ગ્રામજનો ભયના ઓથાર હેઠળ જીવવા મજબૂર બન્યા છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.