ડુક્કર પકડવા બિછાવેલી જાળ નિલગાય માટે જીવલેણ બની. : વાગરા તાલુકાના ઔદ્યોગિક હબ ગણાતા દહેજ પંથકમાં વન્યપ્રાણીના શિકાર અને મૃત્યુની એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. અહીં ડુક્કર પકડવા માટે શિકારીઓ દ્વારા ગોઠવવામાં આવેલી જાળમાં એક મહાકાય નિલગાય ફસાઈ ગઈ હતી, જેના કારણે આ અબોલ જીવનું કરુણ મોત નીપજ્યું હતું. આ ઘટનાની ગંભીર નોંધ લઈ વાગરા વન વિભાગે ત્વરિત કાર્યવાહી કરી જવાબદાર બે ઈસમો સામે કડક પગલાં લીધા છે. પ્રાપ્ત માહિતી અનુસાર દહેજ સ્થિત ભૂતનાથ મહાદેવ મંદિર નજીકના વેરાન વિસ્તારમાં અને ઝાડી-ઝાંખરામાં કોઈ વન્યપ્રાણી મૃત હાલતમાં હોવાની બાતમી વન વિભાગને મળી હતી. આ સૂચનાના આધારે વન વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તપાસ દરમિયાન ત્યાં એક નિલગાય જાળમાં ખરાબ રીતે ફસાયેલી અને મૃત હાલતમાં મળી આવી હતી.
નિલગાયના મોત બદલ દહેજના બે શખ્સો સામે ગુનો દાખલ, ૨ લાખનો દંડ ફટકારતું વન તંત્ર. : વન વિભાગે ઝીણવટભરી તપાસ હાથ ધરતા આ કૃત્ય સ્થાનિક રહીશોનું હોવાનું બહાર આવ્યું હતું. તપાસમાં દહેજના રહેવાસી અજય કનુ તલાવીયા અને રાકેશ શનાભાઈ રાઠોડના નામો ખુલ્યા હતા. બંનેની પૂછપરછ કરતાં જાણવા મળ્યું હતું કે તેઓએ ડુક્કર પકડવા માટે આ જાળ બિછાવી હતી. પરંતુ કમનસીબે તેમાં ડુક્કરને બદલે નિલગાય ફસાઈ ગઈ હતી. પ્રાથમિક દ્રષ્ટિએ એવું તારણ નીકળ્યું છે કે નિલગાય જાળમાં ફસાઈ ગયા બાદ લાંબા સમય સુધી નીકળી શકી ન હતી અને ખોરાક-પાણીના અભાવે તેમજ તરફડિયા મારીને તેનું મોત થયું હતું. જોકે, મૃત્યુનું ચોક્કસ અને વૈજ્ઞાનિક કારણ પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ ભરૂચના નાયબ વન સંરક્ષક ભાવનાબેન દેસાઈ અને મદદનીશ વન સંરક્ષક વિજયભાઈ ચૌધરીએ તાત્કાલિક કડક કાર્યવાહીના આદેશ આપ્યા હતા. તેમના સીધા માર્ગદર્શન હેઠળ વાગરા આર.એફ.ઓ. વી.વી. ચારણ અને તેમની ટીમે બંને આરોપીઓ, અજય તલાવીયા અને રાકેશ રાઠોડ વિરુદ્ધ વન્યપ્રાણી સંરક્ષણ ધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. વન વિભાગે આ બંને ઈસમો પાસેથી કુલ રૂપિયા ૨ લાખનો દંડ વસૂલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વન વિભાગની આ સઘન કામગીરીને પગલે ગેરકાયદેસર શિકાર કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
નિલગાયના મોતનું કારણ અકબંધ, ભૂખમરો કે ઝેર? પી.એમ રિપોર્ટ પર નજર : નિલગાયના મૃત્યુનું ચોક્કસ કારણ હજુ અકબંધ છે અને વન વિભાગ દ્વારા આ દિશામાં સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. તપાસ અધિકારીઓ એ પાસાની ચકાસણી કરી રહ્યા છે કે શું નિલગાયનું મોત જાળમાં લાંબા સમય સુધી ફસાઈ રહેવાને કારણે ભૂખ અને તરસથી થયું છે, કે પછી તેને કોઈ ઝેરી પદાર્થ કે ઇન્જેક્શન આપીને મારી નાખવામાં આવી હતી? હાલ તો વન વિભાગ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે, જેના આવ્યા બાદ જ નિલગાયના મૃત્યુનું ચોક્કસ અને વૈજ્ઞાનિક કારણ સ્પષ્ટ થશે. ત્યાર બાદ આગળની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
શિકારની શક્યતા નહિવત, પણ તપાસ ચાલુ, વાગરા RFO વી.વી. ચારણ : આ સમગ્ર ઘટના અંગે વાગરા આર.એફ.ઓ. વી.વી. ચારણે મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, પ્રાથમિક દ્રષ્ટિએ આ વિસ્તારમાં નિલગાયના શિકારની પ્રવૃત્તિ થતી હોય તેવું જણાતું નથી. આ તર્ક પાછળનું કારણ સ્પષ્ટ કરતા તેમણે ઉમેર્યું હતું કે, સ્થળ તપાસ દરમિયાન ત્યાં વિચરણ કરતી અન્ય નિલગાયોમાં મનુષ્યો પ્રત્યે કોઈ ભય કે ડર જોવા મળ્યો ન હતો. સામાન્ય રીતે જ્યાં વન્યપ્રાણીઓનો શિકાર થતો હોય, ત્યાં તેઓ માણસની હાજરી માત્રથી ભયભીત થઈને દૂર ભાગી જતા હોય છે, પરંતુ અહીં નિલગાયો નિર્ભય રીતે ફરતી જોવા મળી હતી. તેમ છતાં, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તપાસ હજુ ચાલુ છે. અને આ ઘટનાના મૂળ સુધી પહોંચવા માટે વન વિભાગ દ્વારા તમામ પાસાઓની ઝીણવટભરી અને ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે તેવી ખાતરી તેમણે આપી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com