Geo Gujarat News

વાગરાની જુંજેરા શાળામાં શિક્ષણ જગતનો નવતર પ્રયોગ, માતૃશક્તિ બની શિક્ષક, માતાઓએ વર્ગખંડ સંભાળીને અનુભવ્યો ગુરુનો મહિમા

જુંજેરા શાળામાં એક દિવસ માટે માતા શિક્ષિકા કાર્યક્રમ સંપન્ન : વાગરા પંથકમાં શિક્ષણ ક્ષેત્રે એક અનોખી અને સરાહનીય પહેલ જોવા મળી છે. વાગરાના આસમા પાર્ક-૩ સ્થિત શ્રી ગણેશ સેવા સમાજ સંઘ દ્વારા સંચાલિત જુંજેરા પ્રાથમિક ગુજરાતી માધ્યમ શાળામાં આજરોજ તારીખ ૦૯/૦૨/૨૦૨૬, સોમવારના રોજ ONE DAY MOTHER IS A TEACHER (એક દિવસ માટે માતા શિક્ષિકા બને છે) કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વર્તમાન સમયના આધુનિક શિક્ષણ યુગમાં વાલી, બાળક અને શિક્ષક વચ્ચેનો ત્રિવેણી સંગમ વધુ ગાઢ બને તેવા ઉમદા હેતુસર શાળાના ટ્રસ્ટી મંડળ, આચાર્યશ્રી અને શિક્ષકગણ દ્વારા આ વિશેષ કાર્યક્રમ યોજાયો હતો.માતાઓએ વર્ગખંડનું સુકાન સંભાળ્યું: આ કાર્યક્રમ અંતર્ગત શાળાના શિશુ-૧ અને ૨, બાલવાટિકા તેમજ ધોરણ ૧ અને ૨ માં અભ્યાસ કરતા નાના ભૂલકાઓની માતાઓને આમંત્રિત કરવામાં આવી હતી. માતાઓએ ખૂબ જ ઉત્સાહભેર આ પડકાર સ્વીકાર્યો હતો અને એક દિવસ માટે શિક્ષિકા બનીને વર્ગખંડનું સંચાલન કર્યું હતું. બ્લેકબોર્ડ પર લખવાથી લઈને બાળકોને શિસ્તમાં રાખવા સુધીની તમામ જવાબદારીઓ માતાઓએ નિભાવીને ગર્વની લાગણી અનુભવી હતી.ગૃહકાર્ય અને વર્ગકાર્ય વચ્ચેનો ભેદ સમજાયો: આ એક દિવસીય શૈક્ષણિક પ્રયોગ માતાઓ માટે આંખ ઉઘાડનારો બની રહ્યો હતો. કાર્યક્રમ બાદ માતાઓએ પોતાના પ્રતિભાવ આપતા સ્વીકાર્યું હતું કે, ઘરની ચાર દીવાલો વચ્ચે પોતાના એક કે બે બાળકને સાચવવા અને શાળાના વર્ગખંડમાં અનેક બાળકોને એકસાથે સાચવવા તથા શિક્ષણ આપવું, એ બંને વચ્ચે જમીન-આસમાનનો ફરક છે. તેમણે અનુભવ્યું કે શિક્ષકનું કાર્ય ખરેખર ખૂબ જ અઘરું છે અને તેમાં અપાર ધીરજની જરૂર પડે છે. આ કાર્યક્રમ થકી એ સાબિત થયું કે જ્યારે વાલી અને શિક્ષક વચ્ચેનો સંબંધ મજબૂત બને, ત્યારે જ બાળકનો માત્ર શૈક્ષણિક જ નહીં પરંતુ જીવનલક્ષી અને વ્યક્તિત્વ વિકાસ શક્ય બને છે. કાર્યક્રમના અંતે તમામ માતાઓએ પોતાના આ એક દિવસના ખટામીઠા અનુભવો રજૂ કર્યા હતા.મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિ: આ પ્રસંગની ગરિમા વધારવા માટે વાગરા બી.આર.સી. કો-ઓર્ડિનેટર ખ્યાતિબેન મહેતા, સી.આર.સી. શરદચંદ્ર સાહેબ તથા ઈમરાન સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે વાગરા તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રીમતી જલ્પાબેન મેડમે અન્ય શૈક્ષણિક કામગીરીમાં વ્યસ્ત હોવા છતાં શાળા પરિવારને પોતાનો પ્રેરણાદાયી સાથ અને સહકાર પૂરો પાડ્યો હતો. શાળાના આચાર્ય અને સમગ્ર સ્ટાફે જહેમત ઉઠાવી કાર્યક્રમનું સુંદર સંચાલન કર્યું હતું.અવનવી પ્રવૃત્તિઓ થકી જુંજેરા વિદ્યાલયની આગવી ઓળખ. : વાગરા સ્થિત જુંજેરા પ્રાથમિક શાળા માત્ર પરંપરાગત શિક્ષણ પદ્ધતિ સુધી સીમિત ન રહેતા, અવનવી અને રચનાત્મક પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ જગતમાં પોતાની એક આગવી અને વિશિષ્ટ ઓળખ પ્રસ્થાપિત કરી રહી છે. તાજેતરમાં યોજાયેલ એક દિવસ માટે માતા શિક્ષિકા બને છે. જેવો નવતર પ્રયોગ તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. શાળા સંચાલકો અને શિક્ષકગણ દ્વારા વાલી અને વિદ્યાર્થી વચ્ચેના સંબંધોને સુદ્રઢ બનાવવા તેમજ બાળકોના સર્વાંગી વિકાસ માટે જે રીતે સતત નવા શૈક્ષણિક આયામો સર કરવામાં આવે છે, તે ખરેખર સરાહનીય છે. આવી પ્રેરણાદાયી પહેલ અને આધુનિક અભિગમને કારણે જુંજેરા વિદ્યાલય આજે સમગ્ર પંથકમાં સંસ્કાર અને શિક્ષણના એક આદર્શ કેન્દ્ર તરીકે ઊભરી આવી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.