Geo Gujarat News

આમોદ: 15 વર્ષીય સોયબે રચ્યો ઈતિહાસ, નાની ઉંમરે મોટી સિદ્ધિ — હાફિઝ બનેલા યુવાનનું ઘોડા પર બેસાડી કર્યું ભવ્ય સ્વાગત, ઠેર-ઠેર ફૂલવર્ષા

આમોદ નગરમાં આવેલા પુરસા રોડ સ્થિત નવી નગરી વિસ્તારમાં આજરોજ એક અલૌકિક અને ગૌરવવંતી ઘટના સાકાર થઈ છે. વિસ્તારના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ ઉમેરતા, માત્ર 15 વર્ષની કુમળી વય ધરાવતા મોહમ્મદ સોયેબ હબીબ દીવાને પવિત્ર કુરઆન શરીફને હૃદયસ્થ કરી હાફિઝ-એ-કુરઆન બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે. આ નાનકડા કિશોરની આ જ્વલંત ધાર્મિક સિદ્ધિએ સમગ્ર મુસ્લિમ બિરાદરોમાં આનંદ અને ગર્વની લાગણી જન્માવી છે. આ પવિત્ર યાત્રાની પૂર્ણાહુતિ નિમિત્તે કલ્લા શરીફ ખાતે એક ભવ્ય ધાર્મિક સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં ધર્મધુરંધરો અને સમાજના અગ્રણીઓની સાક્ષીમાં, હઝરત મુસ્તાક અલી બાવાના પવિત્ર હસ્તે મોહમ્મદ સોયેબની શાનદાર દસ્તારબંધી કરવામાં આવી હતી. આ પ્રસંગે તેમને સનદ અર્પણ કરી તેમની મહેનતને બિરદાવવામાં આવી હતી. ઉપસ્થિત સૌ કોઈએ આ હોનહાર તરૂણને દુઆઓથી નવાજ્યો હતો.સન્માન વિધિ બાદ જ્યારે આ હાફિઝ પોતાના વતન આમોદ સ્થિત પુરસા રોડ નવી નગરી પરત ફર્યા, ત્યારે સમગ્ર વાતાવરણ ઉત્સવમય બની ગયું હતું. મદ્રસા-એ-ગૌસિયાના પટાંગણમાંથી એક યાદગાર જુલૂસનો પ્રારંભ થયો હતો. મોહમ્મદ સોયેબને પરંપરાગત રીતે શણગારેલા અશ્વ પર બિરાજમાન કરવામાં આવ્યા હતા.નાત-એ-પાકની રમઝટ અને દીની નારાઓ સાથે નીકળેલા આ જુલૂસમાં મોટી સંખ્યામાં અબાલ-વૃદ્ધ સૌ કોઈ જોડાયા હતા. નગરયાત્રા દરમિયાન ઠેર-ઠેર રહીશો દ્વારા પુષ્પવૃષ્ટિ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. અંતિમ ચરણમાં, સૌએ સામૂહિક દુઆ કરી અલ્લાહનો આભાર માન્યો હતો.પોતાની આ ઝળહળતી સફળતાનો શ્રેય આપતા મોહમ્મદ સોયેબે અત્યંત નમ્રતા સાથે જણાવ્યું હતું કે, આ મુકામ સુધી પહોંચવામાં મારા માતા-પિતાની દુઆઓ, મદ્રસા ગૌસિયાના આદરણીય ઉસ્તાદ સૈયદ શેર અલી બુખારી સાહેબ, કારી જુબેર સાહેબ તેમજ સુફીએ મિલત અરબી અકાદમીના માર્ગદર્શનનો સિંહફાળો રહ્યો છે.આ પ્રસંગે મદ્રસા ગૌસિયાના સંચાલક અને ઉસ્તાદ સૈયદ શેર અલી બુખારીએ સંસ્થાની કામગીરી પર પ્રકાશ પાડતા જણાવ્યું હતું કે, અમારી સંસ્થા છેલ્લા સાડા ત્રણ-ચાર દાયકાથી સમાજમાં શિક્ષણનો દીપ પ્રગટાવી રહી છે. હાલમાં 120 જેટલા માસૂમ બાળકો અહીં દીની તાલીમ મેળવી રહ્યા છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, અહીં બાળકોને પાયાના શિક્ષણમાં તખ્તી, મદની કાયદાથી લઈને તજવીદ, યસર્નલ કુરઆન અને કુરઆન પાકનું શિક્ષણ આપવામાં આવે છે. જે વિદ્યાર્થીઓ અભ્યાસમાં તેજસ્વી અને સમજદાર હોય છે, તેમને અહીંથી તૈયાર કરી ઉચ્ચ અભ્યાસ અર્થે દરુલઉલૂમ જેવી મોટી સંસ્થાઓમાં મોકલવામાં આવે છે. શિક્ષકો અને આગેવાનોએ આ ઘટનાને માત્ર એક પરિવારની ખુશી ન ગણાવતા સમગ્ર નવી નગરી વિસ્તાર માટે ગૌરવપૂર્ણ ગણાવી હતી. કારી જુબેર સાહેબની અથાગ મહેનત રંગ લાવી છે તેમ જણાવતા ઉસ્તાદએ આશા વ્યક્ત કરી હતી કે, મોહમ્મદ સોયેબમાંથી પ્રેરણા લઈ આવનારા સમયમાં વધુને વધુ બાળકો હાફિઝે કુરઆન બનશે અને દીન તથા દુનિયામાં પોતાના ગામનું નામ રોશન કરશે. સમગ્ર કાર્યક્રમ ભારે હર્ષોલ્લાસ અને રૂહાનિયત સભર માહોલમાં સંપન્ન થયો હતો.

 

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.