આમોદ નગરપાલિકાના ઇતિહાસમાં કદાચ પ્રથમવાર વહીવટી તંત્ર આર્થિક મોરચે આટલી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યું છે. નાણાકીય વર્ષ પૂર્ણ થવાના આરે છે. ત્યારે શહેરની આર્થિક કરોડરજ્જુ સમાન વેરા વસૂલાતમાં જોવા મળેલી ભારે ઉદાસીનતાએ પાલિકાની ચિંતામાં વધારો કર્યો છે. સત્તાવાર આંકડાઓ મુજબ સમગ્ર શહેરમાંથી અત્યાર સુધીમાં માત્ર ૧૦ ટકા જેટલી જ ટેક્સની આવક થઈ છે. આ અત્યંત ઓછી વસૂલાતને કારણે પાલિકાની રોજિંદી કામગીરી, કર્મચારીઓના પગાર અને શહેરના પાયાના વિકાસ કાર્યો પર જોખમ ઊભું થયું છે. પાલિકાના ચીફ ઓફિસરે પરિસ્થિતિની ગંભીરતા સમજાવતા જણાવ્યું હતું કે, નગરપાલિકા નાગરિકોને પીવાનું શુદ્ધ પાણી, સ્ટ્રીટ લાઈટ અને સફાઈ જેવી પાયાની સુવિધાઓ આપવા માટે સતત પ્રયત્નશીલ છે. પરંતુ, આ સેવાઓ પાછળ થતો જંગી ખર્ચ પહોંચી વળવા માટે નાગરિકો દ્વારા ચૂકવવામાં આવતો વેરો જ મુખ્ય સ્ત્રોત છે. જો જનતા વેરો ભરવામાં વિલંબ કરશે, તો આગામી દિવસોમાં આ પ્રાથમિક સુવિધાઓ જાળવી રાખવી પણ તંત્ર માટે મુશ્કેલ બની જશે. વેરાની આટલી નીચી ટકાવારી પાલિકાના વહીવટી માળખાને ખોરવી નાખી શકે છે તેવી ભીતિ પણ તેમણે વ્યક્ત કરી હતી.
વધુમાં પાલિકા તંત્રએ હવે સોફ્ટ વલણ છોડીને કડક કાર્યવાહીનો માર્ગ અપનાવવાનો નિર્ણય કર્યો છે. ચીફ ઓફિસર દ્વારા બાકીદારોને આખરી ઓલ્ટીમેટમ આપતા જણાવવામાં આવ્યું છે કે, જે મિલકતધારકો માર્ચ માસ પહેલા પોતાના લેણાં ક્લિયર નહીં કરે, તેમની સામે કોઈપણ પૂર્વ સૂચના વિના કડક પગલાં ભરવામાં આવશે. આ ઝુંબેશ અંતર્ગત બાકીદાર મિલકતોના નળ કનેક્શન કાપી નાખવા, વ્યવસાયિક એકમો અને દુકાનોને સીલ મારવા તેમજ મિલકતોની જપ્તી જેવી કાયદાકીય પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. આકરી કાર્યવાહીથી બચવા અને શહેરના વિકાસમાં સહભાગી થવા માટે પાલિકા દ્વારા તમામ નગરજનોને ત્વરિત વેરો ભરી દેવા નમ્ર છતાં કડક અપીલ કરવામાં આવી છે.
Author: Yasin Diwan
સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023