Geo Gujarat News

વાગરા: બેફામ આઈસર ટેમ્પો ડિવાઈડર કૂદીને બસ સાથે ભટકાયો, દહેજમાં મધરાતે સર્જાયેલી દુર્ઘટનામાં અનેક ઘાયલ

વાગરા તાલુકામાં દહેજના ઔદ્યોગિક પટ્ટામાં કામદારોની સુરક્ષા અને માર્ગ સલામતી સામે ફરી એકવાર સવાલ ઉઠ્યા છે. ગત મોડી રાત્રે SEZ-1 ચોકડી પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં GFL-1 કંપનીના કર્મચારીઓને લઈ જતી બસ અને એક અનિયંત્રિત આઇસર ટેમ્પો વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી. ​ઘટનાની વિગતો મુજબ રાત્રિના સુમારે જ્યારે સમગ્ર પંથક નિંદ્રાધીન હતો, ત્યારે GFL-1 કંપનીની બીજી શિફ્ટના કામદારો પોતાની ફરજ પૂરી કરીને રાવ ટ્રાવેલ્સની બસમાં સવાર થઈ ભરૂચ તરફ જઈ રહ્યા હતા. બસ હજુ તો SEZ-1 વિસ્તારમાંથી પસાર થઈ રહી હતી, ત્યાં જ કાળ બનીને સામેથી આવી રહેલા એક આઇસર ટેમ્પોના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. ​ચાલકે કાબૂ ગુમાવતા ટેમ્પો લોખંડી ડિવાઇડર તોડીને રોડની બીજી તરફ ધસી આવ્યો હતો અને સીધો જ બસના આગળના ભાગે અથડાયો હતો. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે તેનો અવાજ દૂર-દૂર સુધી સંભળાયો હતો અને બંને વાહનો રોડની નીચે ખાડામાં ઉતરી ગયા હતા.​અકસ્માત થતાની સાથે જ બસમાં સવાર શ્રમિકોમાં ચીસાચીસ મચી ગઈ હતી. અંધારામાં કશું સમજાય તે પહેલા જ લોહીલુહાણ હાલતમાં કર્મચારીઓ બારીઓમાંથી બહાર નીકળવા મથામણ કરવા લાગ્યા હતા. આ સમયે માનવતાના દર્શન પણ થયા હતા. પાછળથી આવી રહેલી અન્ય ખાનગી કંપનીઓની બસોના ચાલકો અને કામદારોએ તરત જ પોતાની બસ ઉભી રાખી દીધી હતી. અને રેસ્ક્યુ કામગીરી શરૂ કરી હતી. પ્રાથમિક અંદાજ મુજબ અનેક કામદારોને નાની-મોટી ઇજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તરત જ એમ્બ્યુલન્સ મારફતે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આટલી ગંભીર ટક્કર હોવા છતાં સદનસીબે કોઈ જાનહાની નોંધાવા પામી ન હતી. જે એક ચમત્કાર સમાન માનવામાં આવે છે. ​સ્થાનિક પોલીસે ઘટના સ્થળે પહોંચીને ટ્રાફિક ક્લિયર કરાવ્યો હતો અને આઇસર ટેમ્પોના ચાલક વિરુદ્ધ બેદરકારીપૂર્વક વાહન ચલાવવાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. મોડી રાત્રે વાહનોની ગતિ અને ચાલકોની ઉંઘ અકસ્માતનું કારણ હોઈ શકે છે તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.