Geo Gujarat News

હાંસોટ: સાહોલ પ્રાથમિક શાળામાં માતૃભાષા દિવસની શાનદાર ઉજવણી, વિદ્યાર્થીઓએ કાવ્યગાન અને ભજનો દ્વારા ગુજરાતી ભાષાને વધાવી

સાંસ્કૃતિક પ્રસ્તુતિઓથી ગુંજી ઉઠી શાળા: ભાષા એ માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ સંસ્કાર અને સંસ્કૃતિનું પ્રતિબિંબ છે. આ વિચારને સાર્થક કરતા હાંસોટ તાલુકાની સાહોલ પ્રાથમિક શાળામાં ૨૧ ફેબ્રુઆરીના રોજ ‘વિશ્વ માતૃભાષા દિવસ’ની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી. શાળાના પટાંગણમાં આયોજિત આ કાર્યક્રમમાં બાલવાટિકાથી લઈને ધોરણ 8 સુધીના તમામ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ પોતાની માતૃભાષા પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો હતો. કાર્યક્રમનો પ્રારંભ મંગલમય વાતાવરણમાં પ્રાર્થના, ધૂન અને ભજન સાથે કરવામાં આવ્યો હતો. માતૃભાષાના મહિમાને ઉજાગર કરવા માટે શાળાના વિદ્યાર્થીઓએ સુંદર કાવ્યપઠન, બાળગીતો અને ભજનોની પ્રસ્તુતિ કરી હતી. પોતાની વહાલી ગુજરાતી ભાષામાં રજૂ થયેલી આ કૃતિઓએ ઉપસ્થિત સૌના મન મોહી લીધા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા બાળકોમાં અભિવ્યક્તિની શક્તિ ખીલે અને તેઓ પોતાની ભાષાના વારસાને સમજે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
માતૃભાષા એ સંસ્કારોનું સિંચન કરવાનું માધ્યમ છે: આચાર્ય: શાળાના આચાર્ય નિલેશભાઈ સોલંકીએ વિદ્યાર્થીઓને માતૃભાષાનું મૂલ્ય સમજાવતા જણાવ્યું હતું કે, માતૃભાષા એ આપણું ગૌરવ છે. આપણા સંસ્કારો, પરંપરાઓ અને સંસ્કૃતિને જીવંત રાખવા માટે માતૃભાષા પર પ્રભુત્વ હોવું અનિવાર્ય છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, જે બાળક પોતાની ભાષાને સન્માન આપે છે તે જ પોતાની સંસ્કૃતિને સાચા અર્થમાં સમજી શકે છે. આ ઉજવણીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનારા વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધારવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં આચાર્ય નિલેશભાઈ સોલંકી સહિત શિક્ષકગણના જયંતિભાઈ અને નરેશભાઈએ ખડેપગે રહીને વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કાર્યક્રમના અંતે સામૂહિક રાષ્ટ્રગીત ગાન સાથે માતૃભાષા પ્રત્યે ગર્વ અને સન્માનની ભાવના સાથે ઉજવણીનું સમાપન કરવામાં આવ્યું હતું.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.