Geo Gujarat News

અંકલેશ્વર: જીતાલીમાં ૮ વર્ષના માસૂમ મોહમ્મદ રઈશે કાળઝાળ ગરમીમાં પ્રથમ રોજો પૂર્ણ કરી સૌને પ્રેરણા આપી

પવિત્ર રમઝાન માસ એટલે ઇબાદત, ત્યાગ અને આત્મસંયમનો પર્વ. આ પર્વમાં માત્ર વડીલો જ નહીં, પરંતુ નાનાં બાળકો પણ અતૂટ શ્રદ્ધા સાથે જોડાતા હોય છે. આવું જ ભક્તિમય દ્રશ્ય અંકલેશ્વર તાલુકાના જીતાલી ગામે જોવા મળ્યું છે, જ્યાં અશરફ પાર્કમાં રહેતા ૮ વર્ષીય માસૂમ મોહમ્મદ રઈશ યુસુફ શેખે ધોમધખતા તાપમાં પોતાનો જીવનનો પ્રથમ રોજો પૂર્ણ કરી અલ્લાહ પ્રત્યેની પોતાની અતૂટ આસ્થા પ્રગટ કરી છે. વર્તમાન સમયમાં જ્યારે સૂર્યદેવ આકરા મિજાજમાં છે અને તાપમાનનો પારો આસમાને પહોંચી રહ્યો છે, ત્યારે મજબૂત મનોબળ ધરાવતા વયસ્કો માટે પણ ૧૪ કલાકથી વધુ સમય ભૂખ્યા-તરસ્યા રહેવું કપરું બને છે. તેવા સંજોગોમાં મૂળ વાગરાના વતની યુસુફ રસીદ શેખના પુત્ર મોહમ્મદ રઈશે બાળસહજ રમતિયાળ વૃત્તિ છોડી, મક્કમ નિર્ધાર સાથે આખો દિવસ અન્ન-જળનો ત્યાગ કર્યો હતો. માસૂમ બાળકની આ ધાર્મિક નિષ્ઠા અને ધીરજ જોઈને સમગ્ર પંથકના લોકો આશ્ચર્ય અને આનંદની લાગણી અનુભવી રહ્યા છે.

સાંજના સમયે જ્યારે મગરીબની અઝાન થઈ, ત્યારે પરિવારજનોમાં હર્ષોલ્લાસનું વાતાવરણ જોવા મળ્યું હતું. ઇફ્તારના સમયે મોહમ્મદ રઈશને ફૂલહાર પહેરાવી અને મીઠાઈ ખવડાવી તેની આ પ્રથમ બંદગીને ઉત્સાહભેર વધાવી લેવામાં આવી હતી. પિતા યુસુફ શેખે ગૌરવ સાથે જણાવ્યું હતું કે, તેમના પુત્રમાં નાનપણથી જ ધાર્મિક મૂલ્યો પ્રત્યે ઊંડો આદર રહ્યો છે. નાની ઉંમરે કાળઝાળ ગરમી સામે ઝઝૂમીને પણ રોજો પૂર્ણ કરી મોહમ્મદ રઈશે સમાજના યુવાનો માટે શિસ્ત અને સંયમનું એક અદ્ભુત ઉદાહરણ પૂરું પાડ્યું છે. માસૂમ મોહમ્મદની આ ઇબાદતે જીતાલી ગામમાં આસ્થાની નવી સુગંધ ફેલાવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.