વાગરાની સાયખા GIDC સ્થિત અલ્કેમી ફાઈનકેમ પ્રા.લિ. કંપની હવે નિર્દોષ શ્રમિકો માટે જાણે ડેથ ટ્રેપ સાબિત થઈ રહી છે. જિંદગી અને મોત વચ્ચેની જંગ હારી જનાર શ્રમિક રાહીલ સૈયદના કરુણ મૃત્યુએ આ દુર્ઘટનાના મૃત્યુઆંકને ૩ પર પહોંચાડી દીધો છે, પરંતુ કમકમાટીભરી વાત એ છે કે લોહીથી ખરડાયેલા હાથ ધરાવતું કંપની મેનેજમેન્ટ હજુ પણ અસંવેદનશીલતાની પરાકાષ્ઠા વટાવી રહ્યું છે. શ્રમિકોના જીવની કિંમત કોડીની આંકીને અસ્વીકાર્ય વળતર પધરાવવાની કંપનીની હીન કોશિશ સામે ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસ અને સ્થાનિક આગેવાનોએ રણશિંગું ફૂંક્યું છે. ન્યાયની આ લડાઈ હવે ફેક્ટરીના એરકન્ડિશન્ડ રૂમોમાંથી નીકળીને રસ્તા પર આવી ગઈ છે. વળતરના નામે કંપની દ્વારા કરવામાં આવેલા ક્રૂર મજાક સામે આક્રોશ ફાટી નીકળતા મૃતક રાહીલ સૈયદના શોકાતુર પરિવાર અને ગ્રામજનોએ અલ્કેમી ફાઈનકેમ કંપનીના ગેટ પર જ પડાવ નાખ્યો છે. પોતાનો વહાલસોયો ગુમાવનાર પરિવારના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે, છતાં કંપની મેનેજમેન્ટની પથ્થર જેવી સંવેદનહીનતા ઓગળવાનું નામ નથી લેતી. ન્યાય નહીં તો અંતિમ સંસ્કાર નહીં જેવા મક્કમ નિર્ધાર સાથે પીડિતોએ કંપનીના દરવાજે ધામા નાખ્યા છે, જે દર્શાવે છે કે હવે શ્રમિકોના લોહીનો હિસાબ માંગવા માટે જનતા મરણીયો જંગ લડવા તૈયાર છે. વાગરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હોવા છતાં, પરિવારનો મક્કમ અવાજ કંપનીના સત્તાધીશોના કાન સુધી પહોંચી રહ્યો છે કે હવે ભીખ નહીં, પણ હક અને ન્યાય જોઈએ છે.

જ્યારે એક તરફ પીડિત પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન છે, ત્યારે બીજી તરફ સત્તા અને રૂપિયાના જોરે ઘટનાને કુદરતી મોતમાં ખપાવવાના નીચ પ્રયાસો થઈ રહ્યા છે, જે લોકશાહી અને માનવતા માટે કલંક સમાન છે. ભરૂચ જિલ્લા યુવા કોંગ્રેસના ઉપ-પ્રમુખ પટેલ ઇમ્તિયાઝે સ્પષ્ટ શબ્દોમાં ચીમકી આપી છે કે, જો મૃતક રાહીલ સૈયદના પરિવારને સન્માનજનક વળતર અને ન્યાય નહીં મળે તો આ લડાઈ માત્ર ફેક્ટરીના ગેટ સુધી સીમિત નહીં રહે, પણ ન્યાયતંત્રના ઉંબરા સુધી ગુંજશે. લોહીના બદલામાં નજીવી રકમની ઓફર એ પીડિત પરિવારોનું અપમાન છે. હવે માંગ માત્ર વળતરની નથી, પરંતુ શ્રમિકોના જીવ સાથે ખેલ ખેલનારા બેદરકાર માલિકો સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલવાની છે. જો તંત્ર હજુ પણ ઊંઘતું રહેશે, તો જનતાનો આક્રોશ કંપનીના અહંકારને ઓગાળી નાખશે તે નક્કી છે.

અલ્કેમી ફાઈનકેમ કંપનીમાં નિર્દોષ શ્રમિકોના લોહીથી ખરડાયેલી આ ઘટનામાં હવે ભ્રષ્ટ વહીવટી તંત્રની ભૂમિકા પણ શંકાના ઘેરામાં આવી ગઈ છે. યુવા કોંગ્રેસના ઉપ-પ્રમુખ પટેલ ઈમ્તિયાઝ દ્વારા ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગમાં કરાયેલી ધારદાર રજૂઆતને પગલે આયોગે જવાબદાર અધિકારીઓને સમન્સ પાઠવી ખુલાસો માંગ્યો છે, જે સાબિત કરે છે કે ઘટના પાછળ ભયંકર ગુનાહિત બેદરકારી છુપાયેલી છે. તેમ છતાં સ્થાનિક તંત્ર જે રીતે નફ્ફટાઈપૂર્વક કંપનીના માલિકોને કાયદાના સકંજામાંથી બચાવવા માટે ગલત મથામણ કરી રહ્યું છે, તે લોકશાહીની ક્રૂર મજાક સમાન છે. ઈમ્તિયાઝે રોષે ભરાઈને સ્પષ્ટ કર્યું છે કે, શ્રમિકોના મોતના સોદા કરનારા ઉદ્યોગપતિઓને છાવરનારા સરકારી બાબુઓ પણ એટલા જ ગુનેગાર છે અને તેમની સામે પણ તાત્કાલિક કડક કાયદાકીય કાર્યવાહી થવી અનિવાર્ય છે. સત્તાના જોરે સત્યને દબાવવાનો આ ખેલ હવે લાંબો સમય નહીં ચાલે, કારણ કે જનતાનો આક્રોશ અને માનવ અધિકાર આયોગનો હસ્તક્ષેપ આ ભ્રષ્ટ ગઠબંધનને તોડી પાડવા સક્ષમ છે.

Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com