Geo Gujarat News

વાગરાના કોઠિયામાં કેમિકલ આતંક, ભૂખી ખાડી બની ઝેરનું વહેણ, GPCB ની નિંભરતા સામે ગ્રામજનોમાં ભારે રોષ, શું તંત્ર હવે માનવ મૃત્યુની રાહ જુએ છે?

ભૂખી ખાડીમાં ઝેર ઓકાતા માછલીઓના સામૂહિક મોત! વાગરા તાલુકાના કોઠિયા પંથકમાં પર્યાવરણ અને માનવ જિંદગી સાથે ખુલ્લેઆમ ચેડાં થવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાયખા અને વિલાયત GIDCની નફ્ફટ કેમિકલ કંપનીઓ દ્વારા ગામની પાછળથી વહેતી ભૂખી ખાડીમાં રાત્રિના અંધકારમાં ઝેરી કેમિકલયુક્ત પાણી ઠાલવવામાં આવી રહ્યું છે, જેના કારણે આ આખી ખાડી આજે મોતનું વહેણ બની ગઈ છે. પ્રદૂષણની તીવ્રતા એટલી ભયાનક છે કે ખાડીમાં રહેલી માછલીઓનો સામૂહિક સફાયો થઈ ગયો છે. અને આ ઝેરી પાણી પીવાથી પશુધન પણ બીમારીના ખપ્પરમાં હોમાઈ રહ્યું છે. ખેડૂતોએ આશા સાથે જે પાણીનો ઉપયોગ સિંચાઈ માટે કર્યો હતો, તે કેમિકલના કારણે ખેતીલાયક જમીનને બરબાદ કરી રહ્યો છે, જેનાથી સ્થાનિક ખેડૂતો આર્થિક પાયમાલીના આરે આવી ઊભા છે.

ભૂખી ખાડીમાં કેમિકલ આતંક સામે AAP નેતા દીપક પટેલનો પ્રચંડ લલકાર: આ ગંભીર પરિસ્થિતિનો તાગ મેળવવા આમ આદમી પાર્ટીના જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલે ગ્રામજનો સાથે સ્થળ મુલાકાત લીધી હતી, જેમાં પ્રદૂષણના વરવા દ્રશ્યો નજરે પડ્યા હતા. સ્થાનિક ગ્રામજનોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને વારંવાર રજૂઆતો કરવા છતાં, અધિકારીઓ જાણે એસી ચેમ્બરમાં બેસીને કંપનીઓના પાપ છાવરવામાં મશગૂલ હોય તેમ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. શું GPCB અને સ્થાનિક તંત્ર કોઈ મોટી માનવ જાનહાનિની રાહ જોઈ રહ્યું છે? તેવી પ્રતીતિ થઈ રહી છે. દીપક પટેલે ચીમકી ઉચ્ચારી છે કે જો તત્કાલ તપાસ કરી જવાબદાર કંપનીઓ સામે ફોજદારી કાર્યવાહી નહીં કરાય અને ખેડૂતોને વળતર નહીં અપાય, તો આગામી દિવસોમાં આ લોકરોષ ગાંધીનગર સુધી ગુંજશે. જો આ પ્રદૂષણના કારણે કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો તેની તમામ જવાબદારી માત્ર ને માત્ર નિંભર બનેલા તંત્રની રહેશે.ખેતી અને પશુધનને થયેલા નુકસાનનું કંપનીઓ પાસેથી વળતર અપાવો.: કેમિકલ કંપનીઓના પાપે કોઠિયા ગામના પાયમાલ થયેલા ખેડૂતો અને પશુપાલકો માટે હવે આરપારની લડાઈ શરૂ થઈ છે. ઝેરી કેમિકલયુક્ત પાણીએ માત્ર ખાડીને જ પ્રદૂષિત નથી કરી, પરંતુ પશુધનને બીમારીના ખપ્પરમાં હોમીને અને હરિયાળા ખેતરોને વેરાન બનાવીને ગ્રામજનોના મોઢાનો કોળિયો છીનવી લીધો છે. ખેતી અને પશુધનને થયેલા આ વ્યાપક નુકસાન માટે સીધેસીધી જવાબદાર આસપાસની બેદરકાર કેમિકલ કંપનીઓ જ છે, અને તેથી જ ગ્રામજનોની મક્કમ માંગ છે કે કંપનીઓ પાસેથી પાયે-પાયાનું વળતર વસૂલવામાં આવે. જો તંત્ર આ નુકસાનીનો સર્વે કરી પીડિતોને યોગ્ય વળતર અપાવવામાં વિલંબ કરશે, તો ઉદ્યોગોના નફા માટે સામાન્ય માણસની જિંદગીને દાવ પર લગાડનારા આ સફેદપોશ ગુનેગારો સામે પ્રચંડ જનઆંદોલન છેડવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું છે.પર્યાવરણને કેમિકલના ઝેરથી કાયમી મુક્તિ અપાવો.: કોઠિયા ગામના અસ્તિત્વ પર તોળાતા કેમિકલના જોખમ સામે હવે ગ્રામજનોએ આરપારની જંગ છેડી છે. માત્ર ઉપરછલ્લી તપાસ નહીં, પરંતુ ગામના પર્યાવરણને આ ઝેરીલા કેમિકલના ભરડામાંથી કાયમી મુક્તિ અપાવવાની સાર્વત્રિક માંગ ઉઠી છે. ઉદ્યોગોના નફા માટે ગામની હવા, જમીન અને પાણીને જે રીતે ઝેરથી પ્રદૂષિત કરવામાં આવ્યા છે, તે જોતા હવે ગ્રામજનોએ સ્પષ્ટ કર્યું છે કે તેઓ જીવલેણ પ્રદૂષણ સાથે સમાધાન નહીં કરે. સાયખા અને વિલાયતની કંપનીઓ દ્વારા છૂપી રીતે છોડાતા ઝેરી પ્રવાહીને અટકાવવા માટે નક્કર એક્શન પ્લાન અને ખાડીના શુદ્ધિકરણની માંગ બળવત્તર બની છે. જો તંત્ર દ્વારા આ વિસ્તારને પ્રદૂષણમુક્ત કરવા માટે કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં આ પ્રશ્ન માત્ર સ્થાનિક વિરોધ પૂરતો મર્યાદિત ન રહેતા એક મોટા પર્યાવરણીય આંદોલનનું સ્વરૂપ ધારણ કરશે.કેમિકલ માફિયાઓ સામે તાત્કાલિક ગુનો દાખલ કરી કડક કાર્યવાહી કરો. : સ્થાનિક તંત્ર અને GPCB ની રહસ્યમય ચુપકીદી સામે હવે આક્રોશનો જ્વાળામુખી ફાટી નીકળ્યો છે. ગ્રામજનો અને આગેવાનોની સ્પષ્ટ માંગ છે કે, એ.સી ઓફિસોમાં બેસી રહેવાને બદલે GPCBના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર આવે અને પ્રદૂષિત ખાડીના પાણીના નમૂના લઈ તેનો પારદર્શક રિપોર્ટ જાહેર જનતા સમક્ષ મૂકે. આ કોઈ અકસ્માત નહીં પણ પર્યાવરણીય હત્યાકાંડ છે, જેમાં કેમિકલ માફિયાઓએ પોતાના સ્વાર્થ માટે આખું વહેણ ઝેરી કરી દીધું છે. આવા નફ્ફટ ઉદ્યોગપતિઓ અને કેમિકલ માફિયાઓ સામે માત્ર નોટિસના નામે લીપાપોતી કરવાને બદલે, તેમની સામે તાત્કાલિક ફોજદારી ગુનો દાખલ કરી જેલના સળિયા પાછળ ધકેલવા જોઈએ. જો તંત્ર આ વખતે પણ નમૂના લેવામાં વિલંબ કરશે અથવા રિપોર્ટમાં ચેડાં કરવાની કોશિશ કરશે, તો તે સાબિત થઈ જશે કે પ્રદૂષણ બોર્ડ પોતે જ આ ગુનામાં ભાગીદાર છે.અગાઉ પશુઓના મોત છતાં ગુનાહિત ચુપકીદી સાધતું પ્રદૂષણ બોર્ડ! કોઠિયા અને આસપાસના વિસ્તારમાં કેમિકલ પ્રદૂષણનો આ સિલસિલો હવે કોઈ આકસ્મિક ઘટના નહીં, પણ ઉદ્યોગો દ્વારા આચરવામાં આવતો ક્રમિક નરસંહાર બની ગયો છે. ભૂતકાળમાં પણ આ ઝેરી પાણીના કારણે જ ચાર જેટલી કિંમતી ભેંસોના કરુણ મોત નીપજ્યા હતા અને વિલાયત નજીક સેંકડો માછલીઓ મૃત અવસ્થામાં મળી આવતા હાહાકાર મચી ગયો હતો. આટલી ગંભીર ઘટનાઓ બાદ પણ તંત્રની ઊંઘ ન ઊડવી એ સાબિત કરે છે કે અધિકારીઓને મૂંગા પશુઓ કે જીવસૃષ્ટિની કોઈ કિંમત નથી. વારંવારની આ ઘટનાઓ કેમિકલ માફિયાઓની હિંમત વધારી રહી છે, કારણ કે તેમને ખબર છે કે તંત્ર માત્ર કાગળ પરની કાર્યવાહી કરીને તેમને છાવરી લેશે. હવે ગ્રામજનોનો ધીરજ ખૂટી છે; જો અગાઉના ગુનાઓ વખતે જ કડક પગલાં લેવાયા હોત, તો આજે ફરીથી પશુધન અને જળચર જીવોને જીવ ગુમાવવાનો વારો ન આવ્યો હોત.બેજવાદબાર કંપનીઓના પાપે પ્રકૃતિનું ચીરહરણ, કાયમી મુક્તિ અને વળતર માટે જનતાનો લલકાર! પર્યાવરણીય જોખમનું નિરાકરણ હવે માત્ર કાગળ પરની નોટિસો કે આશ્વાસનોથી નહીં, પરંતુ ઝીરો ટોલરન્સની નીતિથી જ આવશે. તંત્રએ હવે એસી ચેમ્બરો છોડીને યુદ્ધના ધોરણે ભૂખી ખાડીના પ્રદૂષિત પાણીના નમૂના લઈ, તેનો રિપોર્ટ સાર્વજનિક કરવો પડશે જેથી કેમિકલ માફિયાઓના ચહેરા બેનકાબ થઈ શકે. સમસ્યાના જડમૂળથી ઉકેલ માટે સાયખા અને વિલાયતની શંકાસ્પદ કંપનીઓના કેમિકલ ડિસ્ચાર્જ પોઈન્ટ્સ પર સીસીટીવી કેમેરા અને ઓનલાઈન મોનિટરિંગ સિસ્ટમ ફરજિયાત કરવી જોઈએ, જેથી રાત્રિના અંધકારમાં ઝેર ઓકવાની તેમની મેલી મુરાદ પર લગામ લગાવી શકાય. જો GPCB ખરેખર નિષ્પક્ષ હોય, તો તેણે આ પાયમાલી માટે જવાબદાર કંપનીઓના લાયસન્સ રદ કરી, તેમની પાસેથી જંગી દંડ વસૂલી ખેડૂતો અને પશુપાલકોને તત્કાલ વળતર અપાવવું જોઈએ. લોકશાહીમાં જનતાના સ્વાસ્થ્ય કરતા ઉદ્યોગોનો નફો ક્યારેય મોટો હોઈ શકે નહીં. જો હવે પણ કડક ફોજદારી કાર્યવાહી નહીં થાય, તો પ્રદૂષણનું આ ઝેર સમગ્ર વાગરા પંથકની આવનારી પેઢીઓને બરબાદ કરી નાખશે તો નવાઈ નહીં.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.