Geo Gujarat News

આમોદમાં ચૂંટણી પૂર્વે ગરમાવો, લોકશાહી બચાવો ના નારા સાથે કોંગ્રેસે પોલીસ મથક ગજવ્યું, ૨૦૦થી વધુ ફરિયાદોનો ખડકલો

આમોદ શહેર અને તાલુકામાં રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે. ભાજપ શાસિત નગરપાલિકા અને વહીવટી તંત્ર દ્વારા મતદાર યાદીમાં ગેરરીતિ અને લોકશાહીના મૂલ્યોના હનનનો આક્ષેપ કરી આમોદ કોંગ્રેસ સમિતિ રસ્તા પર ઉતરી આવી છે. આજે મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોએ આમોદ પોલીસ સ્ટેશન ખાતે હલ્લાબોલ કર્યો હતો. વિરોધ પ્રદર્શન દરમિયાન “લોકશાહી બચાવો”, “વોટ ચોર ગદ્દી છોડ”, “તાનાશાહી નહીં ચાલે, નહીં ચાલે” અને “ગલી ગલીમાં શોર છે, ભાજપ વાળા ચોર છે” જેવા નારા લગાવવામાં આવ્યા હતા.પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે સત્તાધારી પક્ષના ઈશારે વહીવટી તંત્ર વિરોધ પક્ષના સમર્થકો અને સામાન્ય નાગરિકોના અવાજને દબાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, જેના વિરોધમાં આજે ૨૦૦ જેટલી વાંધા અરજીઓ અને ફરિયાદો પોલીસ ઇન્સ્પેક્ટરને સુપરત કરવામાં આવી હતી. આ વિરોધ પ્રદર્શનમાં સામેલ મહિલા કાર્યકર રાજ બિસ્મીલ્લાબેન સિરાજભાઈએ વહીવટી તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું કે, હું છેલ્લા એક દાયકાથી વધુ સમયથી આશા વર્કર તરીકે નિષ્ઠાપૂર્વક ફરજ બજાવું છું. આમ છતાં, રાજકીય દ્વેષ રાખીને સ્ક્રુટીની પ્રક્રિયા દરમિયાન મારું નામ જાણીજોઈને યાદીમાંથી હટાવવાના કાવતરાં રચવામાં આવ્યા છે. તેમણે પોલીસ તંત્ર પાસે આ કાવતરા પાછળ રહેલા તત્વો સામે કડક તપાસની માંગ કરી છે. આ કિસ્સો વહીવટી પારદર્શિતા સામે મોટા સવાલો ઊભા કરે છે.કોંગ્રેસના સ્થાનિક નેતાઓએ આ સમગ્ર પ્રક્રિયાને લોકશાહીની હત્યા ગણાવી ભાજપના નેતાઓ પર આકરા પ્રહારો કર્યા હતા. મીડિયા સાથેની વાતચીતમાં નેતાઓએ જણાવ્યું હતું કે, આમોદ નગરપાલિકાના વર્તમાન પ્રમુખ, પૂર્વ પ્રમુખ અને ભાજપના શહેર પ્રમુખ સીધી રીતે વહીવટી પ્રક્રિયામાં હસ્તક્ષેપ કરી રહ્યા છે. લોકોના કાયદેસરના નામો સામે ખોટા વાંધા ઉઠાવીને તેમને હેરાન કરવામાં આવે છે. તેમણે વધુમાં કટાક્ષ કર્યો હતો કે જો ભાજપે સત્તાના જોરે જ ચૂંટણી જીતવી હોય તો લોકશાહીનું નાટક બંધ કરી દેશમાં ફરી રાજાશાહી કે અંગ્રેજો જેવું શાસન જાહેર કરી દેવું જોઈએ. નોંધનીય છે કે, આ આંદોલનમાં માત્ર શહેર જ નહીં પણ ગ્રામ્ય વિસ્તારના લોકો પણ જોડાયા હતા. ખાસ કરીને સુઠોદરા ગામ અને આમોદ શહેરમાંથી અંદાજે ૧૦૦-૧૦૦ જેટલી લેખિત અરજીઓ ભેગી કરી કુલ ૨૦૦ અરજીઓનો થોથો પોલીસને સોંપવામાં આવ્યો છે. કોંગ્રેસ પક્ષે ચીમકી ઉચ્ચારી છે કે જો આ મામલે તટસ્થ તપાસ કરી જવાબદારો સામે તાત્કાલિક FIR નોંધવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં સમગ્ર તાલુકામાં ઉગ્ર જન-આંદોલન છેડવામાં આવશે. હાલમાં આ મામલે પોલીસ અને વહીવટી તંત્રની ભૂમિકા પર સૌની નજર ટકેલી છે.

Yasin Diwan
Author: Yasin Diwan

સમાચાર તેમજ જાહેરાત આપવા માટે સંપર્ક કરો : 9574469023

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.