Geo Gujarat News

વાગરાના ૬ વર્ષીય માસૂમ મોહંમદ અલ્હાજે મક્કમ મનોબળ સાથે પૂર્ણ કર્યો જીવનનો પ્રથમ રોજો, પરિવારે ફૂલહાર પહેરાવી બાળકને વધાવ્યો.

પવિત્ર રમઝાન માસ દરમિયાન મુસ્લિમ બિરાદરો આકરી ઈબાદત કરી રહ્યા છે, ત્યારે વાગરાના વાંતા વિસ્તારમાં રહેતા એક ૬ વર્ષના બાળકે અપ્રતિમ શ્રદ્ધાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વાંતા વિસ્તારની મદીના પાર્ક સોસાયટીમાં રહેતા વસીમ ઈબ્રાહીમ પઠાણના પુત્ર મોહંમદ અલ્હાજ વસીમ પઠાણે માત્ર ૬ વર્ષની નાની વયે પોતાના જીવનનો પ્રથમ રોજો અત્યંત ઉત્સાહભેર પૂર્ણ કર્યો હતો. ગરમી અને લાંબા સમયના ઉપવાસ હોવા છતાં આ નાનકડા બાળકની ભક્તિમાં સહેજ પણ ઓટ જોવા મળી નહોતી. વહેલી સવારે સહેરીથી શરૂ કરીને સાંજે ઈફ્તાર સુધી મોહંમદ અલ્હાજે મક્કમ મનોબળ સાથે ભૂખ અને તરસ સહન કરી અલ્લાહની ઈબાદત કરી હતી. તેની આ અનોખી આસ્થા જોઈ પરિવારજનો અને સ્થાનિકોમાં પણ આનંદ અને ગર્વની લાગણી જોવા મળી હતી.રોજો પૂર્ણ કર્યા બાદ સાંજે ઈફ્તારના સમયે આ નાનકડા મોહંમદ અલ્હાજે ખુદાની બારગાહમાં હાથ ફેલાવી અત્યંત માસૂમિયત સાથે વિશેષ દુઆઓ માંગી હતી. તેણે પરિવારની સુખ-શાંતિ, દેશમાં અમન-ચમન જળવાઈ રહે અને સૌના સ્વાસ્થ્ય માટે કરેલી આ આજીજીએ સૌ કોઈના દિલ જીતી લીધા હતા. એક તરફ ભૂખ-તરસનો સંયમ અને બીજી તરફ હાથ જોડીને માંગેલી આ પવિત્ર દુઆ, આ દ્રશ્ય ખરેખર હૃદયસ્પર્શી હતું. તેની આ નાનકડી ઉંમરની ગંભીર આસ્થા જોઈને વડીલોએ પણ તેને ઉમળકાભેર આશીર્વાદ આપ્યા હતા. ​આ અવસરે પઠાણ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો હતો. બાળકના પ્રથમ રોજાને યાદગાર બનાવવા માટે પરિવારજનો દ્વારા તેને ફૂલહાર પહેરાવીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. વડીલોએ તેને દુઆઓ આપી પ્રોત્સાહિત કર્યો હતો અને મીઠાઈ ખવડાવી તેની હિંમતને બિરદાવી હતી. આ નાનકડા મોહંમદની ભક્તિ આજે સમગ્ર પંથકમાં ચર્ચાનું કેન્દ્ર બની છે.

Naeem Diwan
Author: Naeem Diwan

Owner Of Geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.