દારૂ નીતિ કેસમાં અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને મોટી રાહત, કોર્ટે તમામ આરોપોમાંથી કર્યા મુક્ત: દિલ્હીની બહુચર્ચિત દારૂ નીતિ સાથે જોડાયેલા મામલે રાઉઝ એવન્યુ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપતા પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને મનીષ સિસોદિયાને ક્લિનચીટ આપી છે. તપાસ એજન્સી દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવાઓને નબળા અને અપૂરતા ગણાવતા કોર્ટે બંને નેતાઓ સહિત પૂર્વ આબકારી કમિશ્નર કુલદીપ સિંહને પણ નિર્દોષ જાહેર કર્યા છે. કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, માત્ર દાવાઓ કે નબળી ચાર્જશીટના આધારે કોઈ વ્યક્તિ પર કેસ ચલાવી શકાય નહીં, ખાસ કરીને જ્યારે મામલો બંધારણીય પદ પર બેઠેલી વ્યક્તિ સાથે જોડાયેલો હોય.
આ ચુકાદા બાદ ભાવુક થયેલા અરવિંદ કેજરીવાલે તેને સત્યની જીત ગણાવી હતી. તેમણે ભાજપ પર આકરા પ્રહાર કરતા કહ્યું કે, આમ આદમી પાર્ટીને ખતમ કરવા માટે વડાપ્રધાન અને ગૃહમંત્રીએ મળીને કાવતરું રચ્યું હતું, પરંતુ આજે ન્યાયતંત્રએ સાબિત કરી દીધું છે કે ભગવાન અમારી સાથે છે. બીજી તરફ, CBI એ આ ચુકાદા સામે અસંતોષ વ્યક્ત કર્યો છે અને આગામી સમયમાં તેને હાઈકોર્ટમાં પડકારવાની તૈયારી દર્શાવી છે. ઉલ્લેખનીય છે કે 2022-23ની દારૂ નીતિ મામલે લાંબા સમયથી ચાલી રહેલી આ કાનૂની લડાઈમાં આપ માટે આ અત્યાર સુધીની સૌથી મોટી જીત માનવામાં આવી રહી છે.
કેજરીવાલ અને સિસોદિયાને કોર્ટમાંથી રાહત મળતા ભરૂચ AAP દ્વારા નિર્ણયનું સ્વાગત: આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા વિરુદ્ધના કેસમાં અદાલતના તાજેતરના વલણને લઈને ભરૂચ જિલ્લામાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ મામલે ભરૂચ જિલ્લા સંગઠન મંત્રી દીપક પટેલે એક વીડિયો સંદેશ જાહેર કરી અદાલતના નિર્ણયને સત્ય અને ન્યાયની જીત ગણાવી છે. તેમણે જણાવ્યું હતું કે, અદાલતે સ્પષ્ટ કર્યું છે કે આ નેતાઓ વિરુદ્ધ લગાવવામાં આવેલા આરોપોને સમર્થન આપતા કોઈ મજબૂત પુરાવા ઉપલબ્ધ નથી, જે સાબિત કરે છે કે આ સમગ્ર પ્રકરણ શરૂઆતથી જ રાજકીય રીતે પ્રેરિત હતું. દીપક પટેલે વધુમાં આક્ષેપ કર્યો હતો કે, આમ આદમી પાર્ટીની વધતી લોકપ્રિયતાને ડામવા માટે આ એક સુનિયોજિત ષડયંત્ર રચવામાં આવ્યું હતું. જોકે, ન્યાયતંત્રના આ નિર્ણયથી સાબિત થયું છે કે સત્યને લાંબા સમય સુધી દબાવી શકાતું નથી. તેમણે પક્ષની વિચારધારાને દોહરાવતા કહ્યું કે, આમ આદમી પાર્ટી હંમેશાં ઈમાનદાર અને પારદર્શક રાજકારણ માટે પ્રતિબદ્ધ રહી છે. આગામી સમયમાં ગુજરાતમાં પણ જનહિતના મુદ્દાઓ પર અડગ રહીને ભ્રષ્ટાચાર સામેની લડત વધુ મજબૂત બનાવવામાં આવશે. અંતમાં, તેમણે દેશની ન્યાયવ્યવસ્થા પર પૂર્ણ વિશ્વાસ વ્યક્ત કરતા આ ચુકાદાને લોકશાહીની જીત ગણાવી હતી.
Author: Naeem Diwan
Owner Of Geogujaratnews.com