રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ નિમિત્તે આમોદ નગરમાં આવેલી સંસ્કાર વિદ્યાલયમાં ભવ્ય વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. ધોરણ ૧ થી ૯ ના વિદ્યાર્થીઓએ કુલ ૬૨ પ્રોજેક્ટ રજૂ કરી ઉપસ્થિત મહેમાનો અને વાલીઓને વિવિધ વિષયો અંગે માહિતગાર કર્યા હતા.કાર્યક્રમની શરૂઆત શાળા પરિવાર દ્વારા મહેમાનોના સ્વાગત સાથે કરવામાં આવી હતી. શાળાના ટ્રસ્ટી નિરંજનભાઈ પટેલ, સી.આર.સી. તોસિફ પટેલ તેમજ આમોદ પાલિકાની આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિકાબેન પરમારનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય અને રિબન કટિંગ સાથે વિજ્ઞાન મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો હતો.
વિદ્યાર્થીઓએ વૈજ્ઞાનિક અભિગમ સાથે આંકડાકીય અભ્યાસ, પર્યાવરણ, કૃષિ, અવકાશ વિજ્ઞાન, હવામાન પરિવર્તન, માનવ શરીર રચના, અર્થતંત્ર તથા પ્લેન દુર્ઘટનામાં બચાવ જેવા વિષયો પર સર્જનાત્મક પ્રોજેક્ટ રજૂ કર્યા હતા. બાળકો આત્મવિશ્વાસ સાથે પોતાના પ્રયોગો અને તેના માનવજીવન તથા પર્યાવરણ પર પડતા પ્રભાવ અંગે સમજણ આપી રહ્યા હતા.
શાળાની આચાર્ય વૈશાલી મોદીએ જણાવ્યું હતું કે વિદ્યાર્થી, વિજ્ઞાન અને શિક્ષકના સમન્વયથી આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. વિદ્યાર્થીઓએ વિજ્ઞાન, ગણિત અને અંગ્રેજી વિષયોને સમાવીને નવીન કૃતિઓ તૈયાર કરી હતી, જે શિક્ષણ સાથે સંશોધનાત્મક વિચારધારાને પણ પ્રોત્સાહન આપે છે.
શાળાના ટ્રસ્ટી નિરંજન પ્રજાપતિએ જણાવ્યું હતું કે વિજ્ઞાન દિવસના અવસરે વિદ્યાર્થીઓમાં રહેલી વિચારશીલ શક્તિને બહાર લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા માટે આ મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શિક્ષકોના માર્ગદર્શન અને મહેનત બદલ તેમણે આભાર વ્યક્ત કર્યો હતો.
વિજ્ઞાન મેળાએ વિદ્યાર્થીઓમાં નવીનતા, આત્મવિશ્વાસ અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ વિકસાવવા માટે પ્રેરણારૂપ બન્યો હતો.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com