ઈરાન અને ઈઝરાયેલ વચ્ચે ફાટી નીકળેલા ભીષણ યુદ્ધની અસર હવે આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન પર પણ જોવા મળી રહી છે. ભારતની સ્ટાર બેડમિન્ટન ખેલાડી અને બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ પોતાની ટીમ સાથે ઈંગ્લેન્ડ જતી વખતે દુબઈ એરપોર્ટ પર ફસાઈ ગઈ છે. સિંધુએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શ્રેણીબદ્ધ પોસ્ટ શેર કરીને એરપોર્ટ પર પ્રવર્તી રહેલી ભયાનક સ્થિતિ અને અરાજકતાનું વર્ણન કર્યું છે. તેણે જણાવ્યું કે એરપોર્ટ પર વિસ્ફોટોના અવાજો અને ઈન્ટરસેપ્શન સંભળાઈ રહ્યા છે, જેના કારણે ફસાયેલા અનેક પરિવારોમાં ભારે ગભરાટ ફેલાયો છે. સિંધુએ તેની તાજેતરની પોસ્ટમાં એક ચોંકાવનારી વિગત શેર કરતા લખ્યું કે, તેઓ જ્યાં રોકાયા હતા તેની અત્યંત નજીક વિસ્ફોટ થયો હતો, જેમાં તેનો કોચ ધુમાડા અને કાટમાળની ખૂબ નજીક હોવાથી તેમને તાત્કાલિક સુરક્ષિત સ્થળે ખસવું પડ્યું હતું. આ ક્ષણને અત્યંત તણાવપૂર્ણ ગણાવતા સિંધુએ કહ્યું કે પરિસ્થિતિ દર કલાકે વધુ ભયાનક બની રહી છે. જોકે, તેણે ચાહકોને ખાતરી આપી છે કે તે હાલમાં સુરક્ષિત છે અને આ મુશ્કેલ સમયમાંથી વહેલી તકે બહાર નીકળવાની આશા રાખી રહી છે. યુદ્ધના કારણે હવાઈ માર્ગો બંધ થતા વિશ્વભરના હજારો પ્રવાસીઓ અત્યારે મિડલ ઈસ્ટના વિવિધ એરપોર્ટ્સ પર અટવાયા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com