Geo Gujarat News

હાંસોટ: ખરચ ગામે સિંચાઈ નહેર પરનું વર્ષો જૂનું દબાણ તોડી પડાયું, સરકારી કેનાલ પર બનાવેલો સ્લેબ જમીનદોસ્ત

ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના ખરચ ગામે સિંચાઈ વિભાગની કેનાલ પર કરવામાં આવેલું ગેરકાયદે બાંધકામ તંત્ર દ્વારા બુલડોઝર ફેરવીને દૂર કરવામાં આવ્યું છે. બિરલા સેલ્યુલોઝીક કંપની સામે પાર્કિંગ ચલાવતા કોન્ટ્રાક્ટર રઉફ મહંમદ શેખ દ્વારા વર્ષ ૨૦૧૮થી ખરચ માઇનોર કેનાલ પર કોન્ક્રીટનો સ્લેબ બનાવી ગેરકાયદે કબજો કરવામાં આવ્યો હતો. આ સ્લેબનો ઉપયોગ ભારે વાહનોના પાર્કિંગ માટે કરી ગેરકાયદે ફી વસૂલવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠ્યા હતા.મામલતદાર કચેરી અને સિંચાઈ વિભાગ દ્વારા અગાઉ અનેકવાર નોટિસ પાઠવવા છતાં દબાણ દૂર ન કરાતા, આખરે તંત્રએ પોલીસ બંદોબસ્ત સાથે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેસીબીની મદદથી નહેર પરનો સ્લેબ તોડી પાડી સરકારી જમીન ખુલ્લી કરાવવામાં આવી હતી. સિંચાઈ વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ, આ દબાણ દૂર થવાથી હવે ખેડૂતોને ખેતી માટે નહેર દ્વારા સરળતાથી પાણી પહોંચાડી શકાશે. તંત્રની આ આક્રમક કામગીરીથી સરકારી જમીન પર દબાણ કરનારા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે અને સ્થાનિક ખેડૂતોએ આ નિર્ણયને આવકાર્યો છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.