વાગરા તાલુકાના પીપલીયા ગામે પૌત્રને ગાળો બોલવા બાબતે ઠપકો આપવો એક વૃદ્ધ દાદા માટે કાળ સાબિત થયો છે. ગત ૨૪ ફેબ્રુઆરીના રોજ રાત્રિના સમયે જૂના ફળિયામાં સોમાભાઈ મગનભાઈ રાઠોડના પૌત્ર જગદીશને ગામના જ ત્રણ શખ્સો સામાન્ય બાબતમાં ગાળો બોલી ઝઘડો કરી રહ્યા હતા. પોતાના પૌત્રને મુશ્કેલીમાં જોઈ સોમાભાઈ વચ્ચે પડ્યા હતા. અને પૌત્રને કેમ મારો છો તેમ પૂછતા જ હુમલાખોરો ઉશ્કેરાઈ ગયા હતા. ઉશ્કેરાયેલા નગીન હીરા વસાવા, વિનોદ રમેશ વસાવા અને બિપિન રમેશ વસાવાએ વૃદ્ધ સોમાભાઈ પર લોખંડની પાઇપ અને લાકડાના સપાટા વડે જીવલેણ હુમલો કરી માથા તેમજ શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી. હુમલો કર્યા બાદ હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. ઈજાગ્રસ્ત વૃદ્ધને અસહ્ય દુખાવો ઉપડતા પ્રથમ ભરૂચ સિવિલ હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે વડોદરાની એસએસજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. વાગરા પોલીસે શરૂઆતમાં મારામારી અને ધમકીનો ગુનો નોંધ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન સોમાભાઈનું કરુણ મોત નીપજતા આ મામલો હવે હત્યામાં ફેરવાયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વાગરા પોલીસે ગુનામાં હત્યાની કલમોનો ઉમેરો કર્યો છે અને ફરાર ત્રણેય નામજદ આરોપીઓને ઝડપી પાડવા માટે સઘન તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પૌત્રને બચાવવા ગયેલા દાદાના મોતથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com