Geo Gujarat News

વાગરા-પીસાદ રોડ પર કાળમુખા ટ્રેલરે આશાસ્પદ યુવાનનો ભોગ લીધો, ચાલક ટ્રેલર મૂકી ફરાર, પોલીસે તપાસ હાથ ધરી

કાળમુખા ટ્રેલરની અડફેટે આશાસ્પદ યુવાનનું ઘટના સ્થળે જ કમકમાટીભર્યું મોત! વાગરા તાલુકામાં માર્ગ અકસ્માતોનો સિલસિલો થંભવાનું નામ નથી લઈ રહ્યો. આજે બપોરે વાગરાથી પીસાદ જવાના રોડ પર ટ્રેલર ચાલકની ગફલતભરી ડ્રાઈવિંગને કારણે એક આશાસ્પદ યુવાનનું કરૂણ મોત નીપજ્યું છે. અકસ્માત સર્જી ટ્રેલર ચાલક વાહન મૂકીને ફરાર થઈ જતાં સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે. વાગરા તાલુકાના ભેરસમ ગામની નવીનગરીમાં રહેતા ૨૮ વર્ષીય વિજય ઉર્ફે કિશન નરેશભાઈ રાઠોડ આજે બપોરે આશરે 12:45 વાગ્યાના અરસામાં પોતાની મોટર સાયકલ R-15 જેનો રજિસ્ટ્રેશન નંબર GJ-16-DM-5380 જે લઈને વાગરાથી પખાજણ ગામ તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન વાગરાથી પીસાદ રોડ પર આવેલ એચ.પી. પેટ્રોલ પંપ પાસેના વળાંક પર સામેથી પૂરઝડપે આવી રહેલા ટ્રેલર નંબર GJ-16-AU-0844 ના ચાલકે મોટર સાયકલને અડફેટે લીધી હતી. ટક્કર એટલી જોરદાર હતી કે વિજયને માથાના ભાગે તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેના કારણે તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું.
ટ્રેલરની ભયાનક ટકકરે સ્પોર્ટ્સ બાઈકના ફૂરચા ઉડ્યા : અકસ્માતની ભયાનકતાનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે, પૂરઝડપે આવેલા કાળમુખા ટ્રેલરની ટક્કર વાગતા જ ૨૮ વર્ષીય વિજયની સ્પોર્ટ્સ બાઈકના કરુણ રીતે કુરચે કુરચા નીકળી ગયા હતા. લોખંડના મજબૂત એન્જિન અને બોડી ધરાવતી બાઈક રમકડાની જેમ વેરવિખેર થઈ ગઈ હતી, જે ટ્રેલરની અતિશય ઝડપ અને ટક્કરની તીવ્રતાની સાક્ષી પૂરતી હતી. અકસ્માત બાદ રોડ પર સર્જાયેલા આ મંજરને જોઈને ત્યાંથી પસાર થતા વાહનચાલકોના કાળજા પણ કંપી ઉઠ્યા હતા. ઘટનાની જાણ થતાં જ વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એચ.બી. ગોહિલ અને તેમની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. અને મૃતદેહનો કબજો મેળવી જરૂરી કાર્યવાહી આરંભી હતી. મૃતકના પિતા નરેશભાઈ રણછોડભાઈ રાઠોડે અજાણ્યા ટ્રેલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અકસ્માત સર્જ્યા બાદ ટ્રેલર ચાલક માનવતા નેવે મૂકી પોતાનું વાહન ઘટના સ્થળે જ છોડીને નાસી છૂટ્યો હતો. વાગરા પોલીસે ગુનો નોંધી આરોપી ચાલકની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે. એક યુવાન પુત્રના મોતના સમાચારથી ભેરસમ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.