મધ્ય પૂર્વમાં અમેરિકા, ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે ફાટી નીકળેલા ભીષણ જંગના મામલે હવે ભારતીય રાજકારણમાં ગરમાવો આવ્યો છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ચુપકીદી પર આકરા પ્રહારો કરતા ભારતની વિદેશ નીતિ સામે ગંભીર સવાલો ઉભા કર્યા છે. રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા દ્વારા સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, આ યુદ્ધ માત્ર પ્રાદેશિક અસ્થિરતા જ નહીં, પરંતુ ત્યાં વસતા એક કરોડ ભારતીયો સહિત કરોડો લોકોના જીવન માટે મોટું સંકટ છે. તેમણે સરકાર પાસે નૈતિક સ્પષ્ટતાની માંગ કરતા કહ્યું કે, કોઈપણ દેશના સાર્વભૌમત્વનું ઉલ્લંઘન કરનારા હુમલાઓ સ્થિતિને વધુ સ્ફોટક બનાવી રહ્યા છે અને ભારતે આ હુમલાઓની ખુલ્લેઆમ ટીકા કરવી જોઈએ.
બીજી તરફ, કોંગ્રેસ સંસદીય દળના અધ્યક્ષા સોનિયા ગાંધીએ પણ સરકારની મૌન નીતિ પર આકરા સવાલ ઉઠાવતા તેને જવાબદારીથી પીછેહઠ ગણાવી છે. સોનિયા ગાંધીએ ભારપૂર્વક જણાવ્યું કે, ભારતની વિદેશ નીતિ હંમેશા સાર્વભૌમત્વ, સમાનતા અને શાંતિપૂર્ણ સમાધાનના સિદ્ધાંતો પર આધારિત રહી છે, પરંતુ વર્તમાન સરકારની ચુપકીદી ભારતની આંતરરાષ્ટ્રીય વિશ્વસનીયતાને નુકસાન પહોંચાડી રહી છે. રાહુલ ગાંધીએ વડાપ્રધાનને સીધો સવાલ પૂછ્યો છે કે, શું તેઓ વિશ્વ વ્યવસ્થા જાળવવાના માર્ગ તરીકે કોઈ રાષ્ટ્રાધ્યક્ષની હત્યાનું સમર્થન કરે છે? વિપક્ષી નેતાઓનું માનવું છે કે હિંસા સામે સંવાદ અને સંયમ જ એકમાત્ર રસ્તો છે અને આંતરરાષ્ટ્રીય મંચ પર ભારતે મક્કમતાથી પોતાનું સ્ટેન્ડ લેવાની જરૂર છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com