ઈરાનના સર્વોચ્ચ નેતા અલી ખામેનેઈના મોતના પગલે મધ્ય પૂર્વમાં ફાટી નીકળેલા યુદ્ધે હવે વૈશ્વિક ઉર્જા પુરવઠાની કરોડરજ્જુ ગણાતી હોર્મુઝની ખાડીને બાનમાં લીધી છે. ઈરાને વ્યૂહાત્મક રીતે મહત્વનો આ સમુદ્રી માર્ગ બંધ કરી દેતા દરિયામાં જાણે ટ્રાફિક જામ સર્જાયો હોય તેમ ૭૦૦થી વધુ વિશાળકાય ટેન્કરો અધવચ્ચે ફસાઈ ગયા છે. સામાન્ય રીતે જે માર્ગેથી દૈનિક ૧.૯૮ કરોડ બેરલ તેલનું પરિવહન થતું હોય, ત્યાં અત્યારે માંડ બે-ત્રણ જહાજો પસાર થઈ શક્યા છે. પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો ૮૬ ટકા ક્રૂડ ટ્રાફિક થંભી જવાથી વિશ્વભરના ઈંધણ બજારોમાં હાહાકાર મચી ગયો છે. હાલમાં ૩૩૪ ક્રૂડ કેરિયર અને ૨૬૩ ક્લીન પ્રોડક્ટ વેસલ્સ સહિત કુલ ૭૦૬ બિન-ઈરાની જહાજો ખાડીની બંને તરફ લાચાર બનીને ઉભા છે, જેના કારણે પરિવહન ભાડામાં તોતિંગ વધારો થયો છે. ભારત માટે આ કટોકટી બેવડો ફટકો સાબિત થઈ રહી છે. ભારતની ૪૦ ટકા તેલ અને ૫૦ ટકા ગેસની આયાત આ સાંકડા સમુદ્રી માર્ગ પર નિર્ભર છે. અત્યારે હોર્મુઝની ખાડીમાં ભારતની ૩૭ શિપ અને ૧૧૦૯થી વધુ ભારતીય નાવિકો જોખમમાં મુકાયા છે. ઇન્ડિયન નેશનલ શિપઓનર્સ એસોસિએશનના મતે, આ અવરોધને કારણે ભારતની અંદાજે ૧૦,૦૦૦ કરોડની સંપત્તિ હાલ જોખમમાં છે. પરિસ્થિતિ એટલી ગંભીર છે કે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર શરૂ થયો છે અને એશિયાઈ રિફાઇનરી કંપનીઓ હવે રશિયા, બ્રાઝીલ કે આફ્રિકા જેવા વૈકલ્પિક સ્ત્રોતો તરફ મીટ માંડી રહી છે. જો આ માર્ગ લાંબો સમય બંધ રહેશે તો સાઉદી અરબ, યુએઈ અને કુવૈત જેવા દેશોનો પુરવઠો પણ ઠપ્પ રહેશે, જેની સીધી અસર ભારતના પેટ્રોલ-ડીઝલના ભાવ પર પડી શકે છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com