સુરત-અંકલેશ્વર હાઈવે પર નવજીવન હોટલ પાસે ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો છે, જેમાં એક બેકાબૂ લક્ઝરી બસે બાઈક સવારને અડફેટે લેતા અરેરાટી વ્યાપી ગઈ છે. અંસાર માર્કેટ નજીક સર્જાયેલી આ દુર્ઘટનામાં પૂરપાટ ઝડપે આવતી લક્ઝરી બસના ચાલકે ગફલતભરી રીતે સ્ટીયરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને આગળ જઈ રહેલા બાઈકને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી ભીષણ હતી કે બાઈક સવાર રોડ પર પટકાયો હતો અને લોહીલુહાણ હાલતમાં અર્ધબેભાન થઈ ગયો હતો.
ઘટનાને પગલે આસપાસના લોકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ૧૦૮ ઇમરજન્સી સેવાને જાણ કરી હતી. એમ્બ્યુલન્સની ટીમે ઈજાગ્રસ્ત યુવકને પ્રાથમિક સારવાર આપી તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યો હતો, જ્યાં તેની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે. હાઈવે પર બનેલી આ ઘટનાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. સ્થાનિક પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક હળવો કરાવ્યો હતો અને લક્ઝરી બસના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com