અંકલેશ્વર શહેરમાં વધી રહેલા સાયબર ગુનાઓને ડામવા માટે અંકલેશ્વર શહેર એ.ડિવિઝન પોલીસ દ્વારા ખાસ ઓપરેશન મ્યુટ હંટ હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં સાયબર ફ્રોડના નાણાં સગેવગે કરનારા એક રીઢા આરોપીની ધરપકડ કરવામાં આવી છે. પકડાયેલ આરોપીની ઓળખ રંજનભાઈ રાજમંગલસિંહ (રહે. મિર્ઝાપુર, ઉત્તર પ્રદેશ) તરીકે થઈ છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ આરોપી સાયબર ઠગાઈના નેટવર્કનો એક મહત્વનો હિસ્સો હતો. તે વિવિધ લોકોના બેંક ખાતા, એટીએમ કાર્ડ અને ઓનલાઈન બેંકિંગ વિગતો મેળવી તેનો દુરુપયોગ કરતો હતો. ઠગાઈ દ્વારા મેળવેલા નાણાં અલગ-અલગ ખાતાઓમાં ટ્રાન્સફર કરી, તે નાણાં એટીએમ મારફતે ઉપાડી લેવાની કામગીરી આ શખ્સ દ્વારા કરવામાં આવતી હતી. આ નેટવર્ક માત્ર ગુજરાત પૂરતું સીમિત ન રહેતા અન્ય રાજ્યોમાં પણ ફેલાયેલું હોવાની આશંકા છે. અંકલેશ્વર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ઓપરેશન પાર પાડ્યું હતું. આરોપી રંજનભાઈ હાલ પોલીસ કસ્ટડીમાં છે અને તેની સામે સાયબર ક્રાઈમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. આ ધરપકડ બાદ સાયબર ઠગાઈના અન્ય કેટલા મોટા માથાઓ સંડોવાયેલા છે તેની વિગતો પણ બહાર આવવાની શક્યતા છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com