દક્ષિણ ગુજરાતના ઔદ્યોગિક હૃદય સમાન ભરૂચ-દહેજ-અંકલેશ્વર પટ્ટીને આંતરરાષ્ટ્રીય વ્યાપારના નકશા પર અગ્રેસર કરવાના મિશન સાથે ભરૂચની રંગ લોર્ડ્સ ઇન હોટેલ ખાતે એક વિશેષ એક્ઝિમ કોન્ક્લેવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન BDMA ના સંયુક્ત ઉપક્રમે, ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના સહયોગથી યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય હેતુ સ્થાનિક ઉદ્યોગોને નિકાસ-આયાત ક્ષેત્રે વૈશ્વિક પડકારો ઝીલવા માટે સજ્જ કરવાનો હતો. કાર્યક્રમની શરૂઆતમાં દેવાંગ ઠાકોર, ઉન્મેષ દીક્ષિત અને ડો. સુનિલ ભટ્ટે મહેમાનોનું સ્વાગત કરી ઉદ્યોગ જગતમાં આવા મંચની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
કોન્ક્લેવના વિવિધ સત્રોમાં નિષ્ણાતોએ ઊંડાણપૂર્વક માર્ગદર્શન આપ્યું હતું. દહેજ SEZના ડેવલપમેન્ટ કમિશનર અનુપમ કુમારે ભરૂચ-દહેજ વિસ્તારને એક હાઈ-એફિશિયન્સી એક્સપોર્ટ હબ તરીકે વિકસાવવાની ઉજ્જવળ તકો વિશે વાત કરી હતી. લોજિસ્ટિક્સ અને શિપિંગ ક્ષેત્રના નિષ્ણાતો મનીષા ઠાકર અને પૂજા સંતે મલ્ટી-મોડલ ટ્રાન્સપોર્ટેશનને વધુ ગતિશીલ બનાવવા પર ચર્ચા કરી હતી. આ ઉપરાંત, ડો. ભૂમિ રાજ્યગુરુએ NABL માન્યતાના મહત્વ અને વૈશલ શાહે ટ્રેડ ફાઇનાન્સ તથા રિસ્ક મેનેજમેન્ટની બારીકીઓ સમજાવી ઉદ્યોગકારોને આર્થિક સુરક્ષા અને ગુણવત્તાના પાઠ શીખવ્યા હતા.
ઉદ્યોગો માટે ભવિષ્યની જરૂરિયાત એવી કુશળ માનવશક્તિ (Talent) તૈયાર કરવા પર પણ ખાસ પેનલ ચર્ચા યોજાઈ હતી, જેમાં જાણીતી યુનિવર્સિટીઓના ડો. પરાગ સંઘાણી, ડો. ચેતના મકવાણા અને ડો. હિતેશ ભાટિયાએ શૈક્ષણિક અને ઔદ્યોગિક જગત વચ્ચેના જોડાણ પર ભાર મૂક્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન ચેતન ભોજાણી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કોન્ક્લેવ ભરૂચ જિલ્લાના ઉદ્યોગો માટે વૈશ્વિક બજારના દ્વાર ખોલવા અને લોકલ ટુ ગ્લોબલના સ્વપ્નને સાકાર કરવા માટે એક મહત્વનું સીમાચિહ્ન સાબિત થશે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com