Geo Gujarat News

ભરૂચ: ઝાડેશ્વર રોડ પર ટેમ્પોની અડફેટે મોપેડ સવાર ઈજાગ્રસ્ત, બેફામ વાહનચાલકો સામે રોષ

ભરૂચ શહેરના વ્યસ્ત ગણાતા ઝાડેશ્વર રોડ પર આજે એક માર્ગ અકસ્માતની ઘટના સામે આવી છે, જેમાં એક બેદરકાર ટેમ્પો ચાલકે મોપેડ સવારને જોરદાર ટક્કર મારતા તેઓ લોહીલુહાણ થયા હતા. વિગતો મુજબ, ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા અને મક્તમપુર જીઈબી કચેરી પાસે ખાણીપીણીનો વ્યવસાય કરતા વસંત જૈના સવારના સમયે દાંડિયાબજાર શાકમાર્કેટ ખાતે સામાનની ખરીદી કરવા ગયા હતા. ખરીદી પતાવીને તેઓ જ્યારે પરત ફરી રહ્યા હતા, ત્યારે તુલસીધામ ચોકડી પાસે એક છોટા હાથી ટેમ્પોના ચાલકે પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે વાહન હંકારી તેમની મોપેડને અડફેટે લીધી હતી. આ અકસ્માત એટલો જોરદાર હતો કે વસંતભાઈ ફંગોળાઈને રોડ પર પટકાયા હતા, જેના કારણે તેમને માથા, હાથ અને પગના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અકસ્માત સર્જાતા જ આસપાસના લોકો અને રાહદારીઓ તુરંત મદદ માટે દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે શહેરમાં ટેમ્પો અને અન્ય ભારે વાહનો ચાલકો કોઈ પણ જાતના ડર વગર બેફામ રીતે વાહનો હંકારે છે, જેના કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાય છે. સ્થાનિકોએ પોલીસ પ્રશાસન પાસે આવા બેદરકાર ચાલકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.