વાલિયા તાલુકાના રૂપનગર નજીક ગઈકાલે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો, જેમાં દેવમોગરા માતાજીના દર્શન કરી પરત ફરી રહેલા એક પરિવારની ખુશીઓ માતમમાં ફેરવાઈ ગઈ હતી. એકલવ્ય મોડેલ સ્કૂલની સામે ઉભેલી ઇકો કારને અન્ય એક ફોર વ્હીલર વાહને જોરદાર ટક્કર મારતા સર્જાયેલી આ દુર્ઘટનામાં અંકલેશ્વરના રહેવાસી વૃદ્ધાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, જ્યારે તેમના સંતાનોને ઈજાઓ પહોંચી હતી.
મળતી વિગતો અનુસાર, અંકલેશ્વરના દીવા રોડ પર આવેલી શિવ દર્શન સોસાયટીમાં રહેતા 63 વર્ષીય સવિતાબેન પરમાર પોતાના પુત્ર અને પુત્રી સાથે દેવમોગરા દર્શન કરવા ગયા હતા. પરત ફરતી વખતે રૂપનગર પાસે તેમની ઇકો કાર ઉભી હતી, તે દરમિયાન એક પૂરપાટ ઝડપે આવતા વાહનના ચાલકે બેદરકારીપૂર્વક ઇકોને ટક્કર મારી હતી. આ ટક્કર એટલી પ્રચંડ હતી કે કારમાં સવાર સવિતાબેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકી સારવાર બાદ તેમનો પ્રાણપંખેરૂ ઊડી ગયું હતું. આ અકસ્માતમાં તેમના પુત્ર અને પુત્રીને પણ નાની-મોટી ઈજાઓ થઈ હતી. ઘટનાની જાણ થતા જ વાલિયા પોલીસે સ્થળ પર પહોંચી અકસ્માતનો ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ અને આગળની કાયદેસરની તપાસ શરૂ કરી છે.
Author: geogujaratnews
geogujarat2020@gmail.com www.geogujaratnews.com