Geo Gujarat News

અમેરિકાના દબાણને ભારતનો રોકડું પરખાવતો જવાબ, રશિયા પાસેથી તેલ ખરીદવા અમારે કોઈની મંજૂરીની જરૂર નથી..

વૈશ્વિક સ્તરે રશિયા-અમેરિકા અને મધ્ય પૂર્વમાં ઇરાન-ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધના તણાવ વચ્ચે ભારત સરકારે પોતાની વિદેશ નીતિ અને ઉર્જા સુરક્ષા મુદ્દે અત્યંત આક્રમક વલણ અપનાવ્યું છે. અમેરિકા દ્વારા ભારતને રશિયા પાસેથી તેલ ખરીદવા માટે શોર્ટ ટર્મ છૂટ આપવાના દાવાને ભારતે સજ્જડ પલટવાર કરતા ફગાવી દીધો છે. પ્રેસ ઇન્ફર્મેશન બ્યુરો દ્વારા જારી કરાયેલા સત્તાવાર નિવેદનમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે, ભારત રશિયા પાસેથી તેલની આયાત કરવા માટે કોઈ પણ દેશની મંજૂરી કે શરતી છૂટછાટ પર નિર્ભર નથી અને રશિયા ભારતનું સૌથી મોટું ક્રૂડ સપ્લાયર બની રહેશે.વોશિંગ્ટને તાજેતરમાં ભારતીય માલ પરની ટેરિફમાં ૨૫ ટકાનો ઘટાડો કરતા એવો દાવો કર્યો હતો કે ભારતે રશિયા પાસેથી તેલ ન ખરીદવાનું વચન આપ્યું છે. જોકે, નવી દિલ્હીએ આ દાવાને પાયાવિહોણો ગણાવતા કહ્યું છે કે આવું કોઈ જ કમીટમેન્ટ આપવામાં આવ્યું નથી. ઇરાન અને અમેરિકા-ઇઝરાયેલ વચ્ચેના સંઘર્ષને કારણે હોર્મુઝની સામુદ્રધુનીમાં ઉભી થયેલી અવરોધક સ્થિતિને લીધે વિશ્વબજારમાં ક્રૂડના ભાવમાં ૮.૫ ટકાનો તોતિંગ ઉછાળો આવ્યો છે. આ વૈશ્વિક કટોકટી વચ્ચે ભારત સરકારે દેશવાસીઓને આશ્વસ્ત કર્યા છે કે ભારત પાસે ૨૫૦ મિલિયન બેરલથી વધુ ક્રૂડ અને પેટ્રોલિયમ ઉત્પાદનોનો પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે, જે ટૂંકા ગાળાની કોઈ પણ અછતને પહોંચી વળવા સક્ષમ છે.બીજી તરફ, આંતરરાષ્ટ્રીય સ્તરે તેલના ભાવ વધવાની અસર ઘરેલું બજારમાં પણ જોવા મળી રહી છે. સરકારે રાંધણ ગેસના સિલિન્ડર દીઠ ભાવમાં ૬૦નો વધારો ઝીંક્યો છે, જ્યારે કોમર્શિયલ સિલિન્ડરમાં પણ મોટો ભાવવધારો કરવામાં આવ્યો છે. ડોનાલ્ડ ટ્રમ્પના આક્રમક વલણ અને મધ્ય પૂર્વમાં યુદ્ધ વિસ્તરવાની ૩૦ ટકા શક્યતાઓ વચ્ચે ભારત પોતાની ઉર્જા જરૂરિયાતો માટે રાષ્ટ્રીય હિતને સર્વોપરી રાખીને આગળ વધી રહ્યું છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.