Geo Gujarat News

ભરૂચ ભાજપનું નવું માળખું જાહેર, 48 હોદ્દેદારોની ફોજ સાથે સંગઠન સજ્જ, મિશ્ર પ્રતિસાદ વચ્ચે પ્રભુત્વની ચર્ચા તેજ

ભરૂચ જિલ્લા ભારતીય જનતા પાર્ટીએ સંગઠનને નવું રૂપ આપતા તેના હોદ્દેદારોની સત્તાવાર યાદી જાહેર કરી છે. આગામી રાજકીય પડકારો અને સંગઠન શક્તિને વેગ આપવા માટે કુલ 48 સભ્યોની જમ્બો ટીમની જાહેરાત કરવામાં આવી છે. આ નવા માળખામાં સત્તાના સમીકરણો જાળવી રાખવા માટે 3 મહામંત્રી, 8 ઉપપ્રમુખ અને 8 મંત્રીઓ સહિત વિવિધ મોરચાના પ્રમુખોની નિમણૂક કરવામાં આવી છે. સૌથી મહત્વના ગણાતા મહામંત્રીના પદ માટે પક્ષે ભરૂચ શહેરના જીગ્નેશ મિસ્ત્રી, અંકલેશ્વરના ભડકોદ્રાના પરેશ પટેલ અને વાગરાના નરેન્દ્રસિંહ પરમાર પર પસંદગીનો કળશ ઢોળ્યો છે. આ નવી ટીમમાં પ્રદેશના માર્ગદર્શન હેઠળ અનુભવી અને નવા ચહેરાઓને સ્થાન આપી સંતુલન જાળવવાનો પ્રયાસ કરાયો છે. જોકે, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી બદલાશે તેવી ચાલી રહેલી અટકળો વચ્ચે જાહેર થયેલા આ માળખાએ રાજકીય ગરમાવો વધાર્યો છે. રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે નવી ટીમમાં પ્રમુખના નજીકના ગણાતા જૂથને વધુ પ્રાધાન્ય મળ્યું છે. નવી યાદી જાહેર થતા જ ભાજપના આંતરિક વર્તુળોમાં ક્યાંક ઉત્સાહ તો ક્યાંક નારાજગીના સૂર ઉઠ્યા છે. પાયાના કાર્યકરોમાં વરણીને લઈને મિશ્ર પ્રતિસાદ જોવા મળી રહ્યો છે. હવે જોવાનું એ રહેશે કે આ 48 સભ્યોની નવી ટીમ જિલ્લામાં પક્ષને કેટલી ઊંચાઈએ લઈ જવામાં સફળ રહે છે અને પક્ષમાં પ્રવર્તી રહેલા અસંતોષને શાંત પાડવામાં પ્રમુખને કેટલી સફળતા મળે છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.