Geo Gujarat News

અંકલેશ્વર: પાનોલી GIDCમાં રવિવારની વહેલી સવારે કેમિકલ કંપનીમાં ભભૂકી ભીષણ આગ, મેજર કોલ જાહેર, આકાશમાં ધુમાડાના કાળા ગોટેગોટા છવાયા

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલી પાનોલી જીઆઈડીસી રવિવારની વહેલી સવારે પ્રચંડ ધડાકાઓ અને આગની જ્વાળાઓથી ધણધણી ઉઠી હતી. વસાહતના પ્લોટમાં આવેલી ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઇવેટ લિમિટેડ નામની કેમિકલ ફેક્ટરીમાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતા ઔદ્યોગિક આલમમાં દોડધામ મચી ગઈ હતી. આગ એટલી પ્રચંડ હતી કે તેના કાળા ધુમાડાના વાદળો 5 થી 10 કિલોમીટર દૂરથી પણ સ્પષ્ટ દેખાતા હતા, જેને પગલે ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક મેજર કોલ જાહેર કરવામાં આવ્યો હતો.આગની જાણ થતા જ પાનોલી, અંકલેશ્વર અને ભરૂચના ફાયર સ્ટેશનોથી 10થી વધુ લાશ્કરો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા. કેમિકલના કારણે આગ વધુ પ્રસરી રહી હોય, ફાયર ફાઈટરોએ પાણીની સાથે સ્પેશિયલ ફોમનો મારો ચલાવી લગભગ સાડા ત્રણ કલાકની ભારે જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી. સદનસીબે, રવિવારની રજા હોવાથી કંપનીના પ્લાન્ટમાં કર્મચારીઓની હાજરી અત્યંત ઓછી હતી, પરિણામે કોઈ જાનહાની થઈ નથી. જોકે, આગ દરમિયાન થયેલા જોરદાર વિસ્ફોટોને કારણે આસપાસના રહીશોમાં ફાળ પડી હતી અને સાવચેતીના ભાગરૂપે પાડોશી ઉદ્યોગોને પણ એલર્ટ કરી દેવાયા હતા.પ્રાથમિક અંદાજ મુજબ, આ ભીષણ આગમાં કંપનીનો કરોડોનો પ્લાન્ટ અને મશીનરી બળીને ખાખ થઈ ગયા છે, જેના કારણે લાખોનું આર્થિક નુકસાન થયું છે. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણી શકાયું નથી. હાલમાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમો દ્વારા કુલિંગની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ આગ પાછળ શોર્ટ સર્કિટ જવાબદાર છે કે અન્ય કોઈ ટેકનિકલ ખામી, તે દિશામાં ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.