Geo Gujarat News

ભરૂચ: ભોલાવ ગામને મળશે 80 લાખના ખર્ચે આધુનિક કોમ્યુનિટી હોલની ભેટ, ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ કર્યું ખાતમુહૂર્ત..

ભરૂચ શહેરને અડીને આવેલા ભોલાવ ગામના વિકાસમાં વધુ એક છોગું ઉમેરાયું છે. ગ્રામજનોની વર્ષો જૂની સામાજિક સુવિધાની માંગને ધ્યાને રાખીને અંદાજિત 80 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામનારા ભવ્ય કોમ્યુનિટી હોલનું ખાતમુહૂર્ત સંપન્ન થયું છે. ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ શાસ્ત્રોક્ત વિધિ સાથે આ પ્રકલ્પનું ભૂમિપૂજન કર્યું હતું. આ નવનિર્મિત હોલ આગામી દિવસોમાં ભોલાવના ગ્રામજનો માટે સામાજિક, ધાર્મિક અને સાંસ્કૃતિક મેળાવડાઓનું મુખ્ય કેન્દ્ર બની રહેશે. આ પ્રોજેક્ટની વિશેષતા એ છે કે તેમાં સાંસદ સભ્ય, ધારાસભ્ય અને જિલ્લા પંચાયત એમ ત્રણેય સ્તરની ગ્રાન્ટનો સમન્વય કરવામાં આવ્યો છે. નર્મદા કોલોનીની બરાબર સામે અને હરિકૃષ્ણ સોસાયટીની બાજુમાં નિર્ધારિત કરાયેલ સ્થળ પર આ હોલ આકાર લેશે. લગ્ન પ્રસંગો કે સામાજિક મિટિંગો માટે ગામલોકોને હવે અન્યત્ર ભટકવું નહીં પડે.આ સુવિધાનું બાંધકામ પૂર્ણ થયા બાદ તેના સંચાલન અને જાળવણીની સંપૂર્ણ જવાબદારી ભોલાવ ગ્રામ પંચાયત હસ્તક રહેશે, જે ગ્રામીણ સ્તરે સ્વનિર્ભરતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે. આ પ્રસંગે આયોજિત સમારોહમાં ભાજપના પૂર્વ જિલ્લા પ્રમુખ મારુતિસિંહ અટોદરિયા, મહામંત્રી નિરલ પટેલ, ભોલાવના સરપંચ નિમિષા પરમાર અને ઉપસરપંચ યુવરાજસિંહ પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ ગામના સર્વાંગી વિકાસની ખાતરી આપતા જણાવ્યું હતું કે, સ્થાનિક પંચાયત અને સરકારના સંકલનથી ભોલાવને આધુનિક સુવિધાઓથી સજ્જ કરવામાં આવશે. કાર્યક્રમમાં ગામના અગ્રણીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિકોએ હાજર રહી ગામની આ નવીન સુવિધાને વધાવી લીધી હતી.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.