Geo Gujarat News

ભરૂચ: જેલના સળિયા પાછળ પણ ગુંજ્યો નારી શક્તિનો નાદ, જિલ્લા જેલમાં મહિલા કેદીઓ માટે વિશેષ મેડિકલ કેમ્પ અને સ્નેહમિલન

આજે ૮મી માર્ચ, ૨૦૨૬ના રોજ વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે ભરૂચ જિલ્લા જેલ ખાતે પણ માનવતાવાદી અભિગમ સાથે એક પ્રેરણાદાયી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન અને ‘પ્રયાસ’ સંસ્થાના સહયોગથી મહિલા કેદીઓના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપતા વિશેષ મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે સિવિલ હોસ્પિટલના નિષ્ણાત ગાયનેકોલોજિસ્ટ ડૉ. રૂહીમા શેખ અને સાયકાટ્રિસ્ટ ડૉ. સચી દેસાઈએ સેવાઓ આપી હતી. ડૉક્ટરોએ મહિલા કેદીઓની ઝીણવટભરી તપાસ કરી સ્ત્રીરોગ અને માનસિક તાણ જેવી સમસ્યાઓ પર ઊંડાણપૂર્વક માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ કેમ્પનો મુખ્ય ઉદ્દેશ્ય જેલના બંધકોમાં સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો અને તેમને સમાજની મુખ્યધારા જેવી સંભાળ આપવાનો હતો. કાર્યક્રમ દરમિયાન પ્રયાસ સંસ્થા તરફથી દિવ્યાબેન પરમારે તમામ મહિલાઓને પુષ્પ અને પુસ્તકોની ભેટ આપી હતી, જે શિક્ષણ અને સ્નેહનો સુંદર સંદેશ આપે છે. આ પ્રસંગે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સેક્રેટરી પી.પી. મોકાશી અને જેલ અધિક્ષક એન.પી. રાઠોડે ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તમામ બંદીવાન મહિલાઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક આ આયોજનમાં સહભાગી થઈ પોતાની તંદુરસ્તી જાળવવાના શપથ લીધા હતા.

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.