Geo Gujarat News

વાલિયા: સોડગામમાં રસોઈ બનાવતા ગેસ સિલિન્ડર બ્લાસ્ટ, બે મકાનો બળીને ખાખ, મહિલા ગંભીર રીતે દાઝી

વાલિયા તાલુકાના સોડગામના લીમડા ફળિયામાં ગેસ સિલિન્ડર ફાટવાની એક અત્યંત ભયાનક દુર્ઘટના સામે આવી છે. આ ગમખ્વાર બનાવમાં બે રહેણાંક મકાનો આગની ચપેટમાં આવી ગયા હતા, જેમાં અંદાજે ૧૮ લાખ રૂપિયાથી વધુની ઘરવખરી બળીને રાખ થઈ ગઈ છે. સિલિન્ડરના પ્રચંડ વિસ્ફોટ અને આગની જ્વાળાઓમાં એક મહિલા ગંભીર રીતે દાઝી જતાં તેને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે.ઘટનાની વિગતો મુજબ, હિતેન્દ્રસિંહ અટોદરિયાના પત્ની હિરલબેન રસોઈ બનાવવા માટે ગેસ સ્ટવ ચાલુ કરવા ગયા હતા. જેવો તેમણે લાઈટરનો ઉપયોગ કર્યો કે તુરંત ગેસ બોટલમાં લીકેજ હોવાને કારણે મોટો ભડકો થયો હતો. આ આગમાં હિરલબેન દાઝી ગયા હતા અને જોતજોતામાં ગેસ સિલિન્ડર પ્રચંડ ધડાકા સાથે ફાટ્યો હતો. વિસ્ફોટ એટલો શક્તિશાળી હતો કે આગે બાજુમાં આવેલા હિતેન્દ્રસિંહના કાકા વિક્રમસિંહ અટોદરિયાના ઘરને પણ પોતાની લપેટમાં લઈ લીધું હતું. જોતજોતામાં બંને આલીશાન મકાનો આગનો ગોળો બની ગયા હતા.બનાવને પગલે ફળિયામાં અફરાતફરી મચી ગઈ હતી અને સ્થાનિકોએ તુરંત વાલિયા ગ્રામ પંચાયત અને ફાયર બ્રિગેડને જાણ કરી હતી. ફાયર વિભાગના બે ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, ત્યાં સુધીમાં બંને ઘરોમાં રહેલું અનાજ, કપડાં, ઇલેક્ટ્રોનિક ઉપકરણો અને કિંમતી સામાન બળીને ભસ્મીભૂત થઈ ગયો હતો. વાલિયા પોલીસે આ દુર્ઘટના અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી આગ લાગવા પાછળના ટેકનિકલ કારણો અંગે તપાસ તેજ કરી છે.

 

geogujaratnews
Author: geogujaratnews

geogujarat2020@gmail.com www.geogujaratnews.com

Facebook
Twitter
LinkedIn
WhatsApp

Comments are closed.